• મંગળવાર, 16 જૂન, 2026

સ્લોવાકિયા સાથે વેપાર સમજૂતી

વડાપ્રધાન મોદીએ સ્લોવાકિયા પીએમ રોબર્ટ સાથે કરી બેઠક; એઆઇ, સંરક્ષણ ક્ષેત્રમાં પણ કરારો

નવી દિલ્હી, તા. 15 : બ્રાતિસ્લાવાના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે વાતચીત કરી હતી. ફળદાયી લેખાવાયેલી આ બેઠકમાં દ્વિપક્ષીય સંરક્ષણ અને વેપાર સમજૂતી સહિત મહત્ત્વના કરાર થયા હતા.

આ દેશની મુલાકાતે પહોંચેલા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનેલા મોદીએ બેઠક બાદ ફિકોને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે સહકારની સમજૂતી કરતાં ભારતના વડાપ્રધાને કહ્યું હતું કે, સ્લોવાકિયાની યુનિવર્સિટીમાં એઆઇના વિષય પર ‘ઈન્ડિયાચેર’ સ્થપાશે તેનો આનંદ છે.

બન્ને દેશ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ માટે પણ લેટર ઓફ ઇન્ટેટ પર હસ્તાક્ષર કરાયા હતા. ભારતના પ્રાચીન ઉપનિષદોનો સ્લોવાક ભાષામાં અનુવાદ પણ સાંસ્કૃતિક નિકટતાનું ઉદાહરણ છે, તેવું મોદી બોલ્યા હતા.

ભારત-યુરોપીય સંઘ વચ્ચે મુક્ત વેપાર કરારને અંતિમ રૂપ આપવામાં સ્લોવાકિયા તરફથી મળેલા સહયોગ બદલ મોદીએ ફિકોનો આભાર માન્યો હતો. સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોએ ભારતમાં સૌથી લાંબો સમય વડાપ્રધાન પદે રહેવા બદલ મોદીને અભિનંદન આપ્યાં હતાં.

સ્લોવાક પરંપરા પાળતાં બ્રેન્ડ અને નિમક ભેટમાં આપીને મોદીનું સ્વાગત કરાયું હતું. આ પરંપરાને આતિથ્ય, સન્માન અને સદ્ભાવનું પ્રતીક મનાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક