• મંગળવાર, 16 જૂન, 2026

જથ્થાબંધ મોંઘવારી 43 માસની ટોચે

ઈંધણ, ઊર્જા, અનાજ, તેલ મોંઘાં થતાં વધીને 9.68 ટકા : પ્રાકૃતિક ગેસ, લોખંડ મોંઘા થયાં

નવી દિલ્હી, તા. 15 : માંડમાંડ જીવતા સામાન્ય માણસ માટે મોંઘવારી માથાંનો દુ:ખાવો બની રહી છે. માથાંના આ દુ:ખાવામાં વધુ વધારો થયો છે. મે મહિનામાં મોંઘા થયેલાં ઈંધણ અને ઊર્જાના કારણે જથ્થાબંધ મોંઘવારી વધીને 9.68 ટકા સાથે 43 મહિનાની ટોચ પર પહોંચી ગઈ હતી.

 અગાઉ, એપ્રિલ મહિનામાં 8.28 ટકા હતી. સપ્ટેમ્બર 2022માં જથ્થાબંધ મોંઘવારી 10.70 ટકા પર પહોંચી ગઈ હતી. દેશના વાણિજ્ય મંત્રાલયે સોમવારે આંકડા જારી કર્યા હતા. રોજીંદી જરૂરતની ચીજો, ઈંધણ, ઊર્જા, અનાજ, તેલના ભાવોમાં ભડકાના કારણે જથ્થાબંધ મોંઘવારી વધી છે.

 રોજીંદી જરૂરતની વસ્તુઓની મોંઘવારી 3.78 ટકામાંથી વધીને 4.99 ટકા, ખાવા-પીવાની ચીજોની મોંઘવારી 3.11 ટકાથી વધીને 4.49 ટકા થઈ ગઈ છે.

 ઈંધણ અને ઊર્જાનો મોંઘવારી દર 24.89 ટકામાંથી વધીને 30.33 ટકા થઈ ગયો છે. ઉત્પાદન કરાતી વસ્તુઓની મોંઘવારી 6.68 ટકામાંથી વધીને 7.48 ટકા થઈ ગઈ છે. કાચાં તેલ અને પ્રાકૃતિક ગેસની મોંઘવારી વધીને 61.51 ટકા થઈ ગઈ છે. રસાયણ, રાસાયણીક ઉત્પાદનો, લોખંડ વગેરે મોંઘા થયાં છે. મે મહિનામાં છૂટક મોંઘવારી વધીને 3.93 ટકા થઈ હતી. પાંચ મહિનામાં પહેલી વાર રિઝર્વ બેંકના મુકાતાં લક્ષ્ય નજીક ગઈ હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક