નેપાળના વિદેશમંત્રી ખાનલે કહ્યું, નેપાળ-ભારત સરહદ દ્વિપક્ષીય મુદ્દો
નવી
દિલ્હી, તા. 11 : ભારત સાથેના સરહદી વિવાદ અંગે નેપાળના વડાપ્રધાન બાલેન શાહે વિવાદોના
ઉકેલ માટે ચીન અને બ્રિટનનો સંપર્ક કરશે તેવા પાયાવિહોણા નિવેદનો કર્યા હતા. જો કે,
ભારતે સ્પષ્ટ કર્યું હતું કે, આ મામલે કોઈપણ
ત્રીજા દેશની દખલગીરી સહન કરાશે નહીં. જો કે, હવે નેપાળના સૂર બદલાયા હોય તેમ ભારત-નેપાળ
સંપૂર્ણપણે દ્વિપક્ષીય મુદ્દો હોવાનું સ્વીકાર્યું હતું.
એક
મીડિયા હેવાલ મુજબ, હવે, નેપાળના વિદેશમંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, ભારત-નેપાળ સરહદ વિવાદ સંપૂર્ણપણે દ્વિપક્ષીય
મુદ્દો છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નથી. સંસદને સંબોધતાં શિશિર ખાનાલે
બાલેન શાહના નિવેદનથી ઉદ્ભવતા વિવાદને ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું
કે, હું આ ગૃહમાં સ્પષ્ટ કરવા માગું છું કે, નેપાળ-ભારત સરહદ એક દ્વિપક્ષીય મુદ્દો
છે. નેપાળે હંમેશાં બંને દેશો વચ્ચેના ઐતિહાસિક કરારોના આધારે વાતચીત દ્વારા આ મુદ્દાને
ઉકેલવાનો પ્રયાસ કર્યો છે.
નેપાળી
વિદેશમંત્રીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, વડાપ્રધાનનો ઇરાદો ત્રીજા પક્ષ પાસેથી મધ્યસ્થી
મેળવવાનો નહોતો. તેમનો મતલબ એવો હતો કે, જો ચીન અથવા બ્રિટન પાસે ‘સુગૌલી સંધિ’ યુગના
ઐતિહાસિક દસ્તાવેજો હોય, તો તેનો ઉપયોગ તકનિકી પ્રક્રિયામાં મદદ કરવા માટે થઈ શકે છે.
નોંધનીય
છે કે, શિશિર ખાનલ અગાઉ ભારતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે પરસ્પર વાતચીત દ્વારા
ભારત સાથે સરહદી વિવાદો ઉકેલવાની હિમાયત કરી હતી. તેમણે હવે સંસદમાં પણ આ સ્પષ્ટતા
રજૂ કરી છે.