• બુધવાર, 10 જૂન, 2026

ઇન્ડિયા બ્લોકની બેઠક ઃ સરકારને ઘેરવા પાંચ મુદ્દે સહમતી

 સર મુદ્દે સીજેઆઇને લખશે પત્ર શિક્ષા મંત્રીનાં રાજીનામાની માગણી  દર બે મહિને બેઠક યોજવાનો નિર્ણય

 

નવીદિલ્હી, તા.8 વિપક્ષનાં ગઠબંધન ઇન્ડિયા બ્લોકની આજે મળેલી એક મોટી અને મહત્ત્વની બેઠક બાદ કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, દર બે માસે હવે મોરચાની બેઠક બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજની બેઠકમાં કુલ મળીને પાંચ મુદ્દે તમામ પક્ષો વચ્ચે સહમતી સાધવામાં આવી છે. જેમાં મતદાર યાદીનાં ઘનિષ્ઠ પુનઃનિરીક્ષણ(એસઆઇઆર-સર)ના મુદ્દે ગઠબંધન તરફથી દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ(સીજેઆઇ)ને પત્ર લખવામાં આવશે. સાથે વિપક્ષી ગઠબંધને પેપર લીક સહિતનાં ગોટાળાઓનાં પગલે શિક્ષા મંત્રીનાં રાજીનામાની માગણી પણ ઉઠાવી હતી.

ખડગેએ જણાવ્યું હતું કે, ગઠબંધન વચ્ચે પાંચ મુદ્દે સહમતી બની છે. જેમાં મત ચોરી સામે ચીફ જસ્ટિસને પત્ર લખવામાં આવશે. નીટ-યુજી પેપર લીક મામલે શિક્ષા મંત્રી ધમેન્દ્ર પ્રધાને તત્કાળ રાજીનામું આપવું જોઈએ. આર્થિક હાલત ઉપર સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. દર બે મહિને ગઠબંધનની બેઠક યોજવી અને આગામી બેઠક 8 ઓગસ્ટે હૈદરાબાદમાં કરવી. સંસદમાં તમામ વિપક્ષી દળો વચ્ચે સંકલન જારી રહેશે તેવા નિર્ણયોનો સમાવેશ થાય છે.

આજની બેઠકમાં કુલ 25 વિપક્ષી દળ સામેલ થયા હતાં. ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેને પણ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકમાં ભાગ લીધો હતો. આજની બેઠકની અધ્યક્ષતા ખડગેએ કરી હતી અને તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનરજી, સપાનાં અધ્યક્ષ અખિલેશ યાદવ, એનસીપી(એસસીપી) સાંસદ સુપ્રિયા સુલે, જમ્મુ-કાશ્મીર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા. ઉપરાંત બેઠકમાં રાજદ, પીડીપી, જેએમએમ, સીપીઆઇ(એમ), સીપીઆઇ, આરએસપી, ઇયુએમએલ, આરએલપી સહિતના પક્ષો પણ જોડાયા હતા. પાંચ રાજ્યની વિધાનસભા બેઠક બાદ ઇન્ડિયા મોરચાની બેઠક પહેલીવાર મળી હતી અને ચૂંટણીમાં પરાજય બાદ પહેલીવાર મમતા બેનરજીએ પણ આમાં હાજરી આપી હતી જ્યારે તામિલનાડુમાં પરાજય બાદ ડીએમકે દ્વારા ગઠબંધન સાથે નાતો તોડી નાખવામાં આવ્યો છે અને તે બેઠકમાં જોડાયા હતા.

ખડગેએ આગળ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે અત્યારે આર્થિક સ્થિતિ, બેરોજગારી, મોંઘવારી અને કિસાનોના મુદ્દે ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. તમામ પક્ષો હવે દર બે મહિને એકવાર મળવાનાં છે. ચોમાસું સત્ર દરમિયાન સંસદમાં સંકલન ચાલુ રહેશે અને વિપક્ષના નેતાની ઓફિસમાં રોજ સવારે બેઠક પણ યોજવામાં આવશે.

ખડગેએ આગળ કહ્યું હતું કે, 17 એપ્રિલ, 2026ના રોજ લોકસભામાં વિપક્ષે પોતાની એકતાને બહુ નિર્ણાયકતાથી દેખાડી અને મજબૂતીથી સીમાંકન માટે મોદી સરકારના દુર્ભાવનાપૂર્ણ વિધેયકોને પરાસ્ત કરવામાં આવ્યા હતા. ભાવનાને વધુ મજબૂત કરવાની છે અને બધાએ સાથે મળીને આગળ વધવાનું છે. જેથી મોદી સરકારનાં કુશાસનનાં કારણે દેશ સામે ઉભી થયેલી રાજકીય, આર્થિક, સામાજિક અને વિદેશનીતિ સંબંધિત પડકારોનો સામનો કરી શકાય.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક