વળતર ચૂકવ્યા વગર પાવરગ્રીડ કંપની કામ કરતી હોવાની રાવ
ધ્રાંગધ્રા
તા. 4 : ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતો દ્વારા પાવરગ્રીડ કંપની દ્વારા નાખવામાં
આવી રહેલી વીજ લાઈનના વિરોધમાં કોંઢથી રાજકોટ તરફ જતાં મુખ્ય હાઈ વે પર ચક્કાજામ કરી
ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ખેડૂતોના
આંદોલનને પગલે હાઈ વે પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ખેડૂતોનો
આક્ષેપ છે કે પાવરગ્રીડ કંપની દ્વારા તેમની જમીનમાંથી વીજ લાઈન પસાર કરવાની કામગીરી
પૂરતું વળતર ચૂકવ્યા વગર તેમજ ખેડૂતોની વિવિધ માગણીનો યોગ્ય નિકાલ કર્યા વગર કરવામાં
આવી રહી છે.
કંપની
દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. વિરોધ
પ્રદર્શન દરમિયાન ખેડૂતો દ્વારા સ્પષ્ટપણે માગ કરવામાં આવી હતી કે જમીનધારકોને યોગ્ય
અને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેમજ તેમની તમામ વાજબી માગણીનો સંતોષકારક ઉકેલ લાવવામાં
આવે, બાદ જ વીજ લાઇન નાખવાની કામગીરી આગળ વધારવામાં આવે.
ચક્કાજામની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના
સ્થળે દોડી આવ્યા હતા અને આંદોલનકારી ખેડૂતો સાથે ચર્ચા કરી પરિસ્થિતિને નિયંત્રણમાં
લેવા તેમજ માર્ગ વ્યવહાર પુન:સ્થાપિત કરવા પ્રયાસો હાથ ધર્યા હતા.આ ઘટનાએ સમગ્ર પંથકમાં
ચર્ચાનો વિષય સર્જ્યો છે.