• શુક્રવાર, 05 જૂન, 2026

અફઘાનિસ્તાન સામેના એકમાત્ર ટેસ્ટ મેચનો કાલથી પ્રારંભ

નંબર ત્રણ પર કોને તક મળશે:  સાઇ સુદર્શન કે દેવદત્ત પડીક્કલ

ન્યૂ ચંદિગઢ તા.4: આઇપીએલમાંથી બહાર આવીને ભારતીય ખેલાડીઓ હવે શનિવારથી અફઘાનિસ્તાન સામેના એકમાત્ર ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે. હેડ કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં પાછલા ત્રણ દિવસથી ટેસ્ટ ટીમના ખેલાડીઓ સઘન પ્રેકટીસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન વિરૂધ્ધનો ટેસ્ટ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો નથી. આમ છતાં ટીમ ઇન્ડિયા માટે ઘણો મહત્વનો છે. કારણ કે પાછલા કેટલાક સમયથી વિદેશી ટીમો ટીમ ઇન્ડિયાને ઘરઆંગણે ટેસ્ટ ફોર્મેટમાં હાર આપી રહી છે. પાછલી દ. આફ્રિકા સામેની શ્રેણીમાં પણ ભારતીય ટીમનો 0-2થી સફાયો થયો હતો.

આજે નેટ પ્રેકટીસ દરમિયાન શુભમન ગિલ અને ઋષભ પંત વચ્ચે ઘણી ચર્ચા થતી જોવા મળી હતી. પંત આઇપીએલમાં સદંતર નિષ્ફળ રહ્યો હતો. તેને કપ્તાન ગિલ અને બેટિંગ કોચ સિતાંશુ કોટક તરફથી માર્ગદર્શન મળ્યું હતું. ભારતીય ઇલેવન વિશેના સવાલ પર ભારતીય ટીમના સહાયક કોચ રેયાને કહ્યું કે અમે ત્રણ નંબરની પોઝિશન પર વધુ પ્રયોગ કરવા માંગતા નથી. પડીક્કલ અથવા સુદર્શનને વધુ મોકા મળે તે જરૂરી છે. જો કે કોને તક મળશે તે વિશે ફોડ પાડયો ન હતો.

જયારે સ્પિનર કુલદીપ યાદવે મીડિયાને જણાવ્યું હતું કે આપ જયારે આઇપીએલ રમીને લાલ દડાના ક્રિકેટમાં પરત ફરો છો ત્યારે ઘણો પડકાર બની રહે છે. આ માટે તૈયારી ઘણી કરવી પડે છે. કુલદીપ આઇપીએલમાં 12 મેચમાં ફકત 10 વિકેટ સાથે નિષ્ફળ રહ્યો હતો.

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે અગાઉ એકમાત્ર ટેસ્ટ 2018માં રમાયો હતો. જે અફઘાન ટીમના ટેસ્ટ ઈતિહાસનો પહેલો મેચ હતો. જેમાં બે દિવસની અંદર ભારતનો વિજય થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક