• શનિવાર, 06 જૂન, 2026

POKમાં ચૂંટણી મુદ્દે ભારતે પાકિસ્તાનને ઝાટક્યું

વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરતા કહ્યું, પાકિસ્તાન ભારતીય ક્ષેત્રને ખાલી કરે, પીઓકે ભારતનો અવિભાજ્ય અને અભિન્ન હિસ્સોનવી દિલ્હી, તા. 5 : ભારત સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના ગિલગિત-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની પાકિસ્તાનની યોજના ઉપર આકરો વાંધો નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે સાફ શબ્દોમાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના તમામ ક્ષેત્ર, જેમાં ગિલગિત બાલ્ટિસ્તાન પણ સામેલ છે તે ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે.

વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા સાતમી જૂનના કથિત રીતે ગિલગિત બાલ્ટિસ્તાન વિધાનસભા માટે સામાન્ય ચૂંટણી કરાવવાની યોજન ભારતના સંપ્રભુ અધિકારોનું ઉલ્લંઘન છે. મંત્રાલયે કહ્યું હતું કે આ વિસ્તાર ભારતનો છે, જેના ઉપર પાકિસ્તાન દ્વારા અવૈધ અને બળજબરીપૂર્વક કબજો કરી રાખ્યો છે.

વિદેશ મંત્રાલયે દોહરાવ્યું હતું કે, 1947માં જમ્મુ કાશ્મીરનો ભારતમાં પૂર્ણ, વૈધ અને અપરિવર્તનીય વિલય બાદ પુરો વિસ્તાર ભારતનો જ હિસ્સો છે. ભારતે પાકિસ્તાનના એવા તમામ પ્રયાસોને ખારિજ કર્યા હતા જેના હેઠળ કબજાના ક્ષેત્રમાં ભૌતિક પરિવર્તન લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આવા પગલા પાકિસ્તાને ભારતીય ક્ષેત્ર ઉપર કબજો કર્યો છે તે છુપાવી શકશે નહી. આ વિસ્તાર પાકિસ્તાને ખાલી કરી દેવો જોઈએ. ભારતે આરોપ મુક્યો હતો કે પાકિસ્તાન અધિકૃત ક્ષેત્રોમાં માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન, રાજનીતિક દમન, આર્થિક શોષણ અને નાગરિક સ્વતંત્રતાઓથી વંચિત કરવા જેવી સમસ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક