• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ગોંડલમાં ગોડાઉનમાંથી ફેવિક્વિકનો ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો : પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ

ગોંડલ, તા.3 : ગોંડલમાં ઉદ્યોગનગરમાં સાબુ, કોસ્મેટિક આઇટમો રિટેલ તથા હોલસેલમાં વેપાર કરતી એચ.પી. ટ્રેડ નામની કંપની જ્યાં ડુપ્લિકેટ ફેવિક્વિકનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે કંપીનીનાં ગોડાઉનમાં દરોડો પાડી આ અંગે કોપીરાઇટ એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો છે. કંપનીના અધિકારીઓ પોલીસને સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરતા 3,612 નંગ ડુપ્લિકેટ ફેવિક્વિકનો જથ્થો મળી આવ્યો હતો.

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં નારાયણનગરમાં રહેતા ભૂષણ મહેન્દ્રભાઈ દાની દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ડુપ્લિકેટ ફેવિક્વિકનું વેચાણ કરતા ગોંડલમાં જીવરાજ પાર્ક નંબર 1, ગુંદાળા ચોકડી પાસે રહેતા વેપારી પ્રશાંત ઉર્ફે પિન્ટુ રમેશભાઈ કણસાગરા (ઉં.વ 37)નું નામ આપ્યું છે.

ફરિયાદી ભૂષણભાઈએ જણાવ્યું હતું કે, તેઓ પીડીલાઇટ લિ.નામની કંપનીમાં ઓથોરાઇઝ પર્સન તરીકે છેલ્લા દોઢેક વર્ષથી નોકરી કરે છે તેઓની કંપનીના વન ડ્રોપ ઇન્સ્ટન્ટ અધેસિવ ફેવિક્વિક પ્રોડક્ટનું કોઈ ડુપ્લિકેટ કરી બજારમાં વેચાણ કરે તો કોપીરાઇટ એક્ટ મુજબ કાર્યવાહી કરવા પાવર ઓફ એટર્ની આપી છે.

દરમિયાન એવી માહિતી મળી હતી કે, ગોંડલમાં ક્રિષ્ના વે-બ્રિજ સામે મંગળેશ્વર આઇક્રીમવાળી શેરી ઉદ્યોગનગરમાં આવેલા એચ.પી. ટ્રેડમાં સાબુ, શેમ્પૂ તથા કોસ્મેટિક આઇટમોના રિટેલ તથા હોલસેલ વેપારી દ્વારા પીડીલાઇટ લિમિટેડ કંપનીના ડુપ્લિકેટ વન ડ્રોપ ઇન્સ્ટન્ટ અધેસિવ ફેવિક્વિક પ્રોડક્ટનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે. જેથી આ અંગે તેમણે રાજકોટ એસ.પી. અને ગોંડલ બી ડિવિઝન ખાતે અરજી આપ્યા બાદ પોલીસને સાથે રાખી અહીં ગોંડલમાં ઉદ્યોગનગરમાં આવેલ એચ.પી. ટ્રેડ કંપનીનાં ગોડાઉનમાં તપાસ કરતા અહીંથી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની ફેવીક્વિક નંગ 3612 મળી આવી હતી. જેમાં આગળ પીળા તથા વાદળી કલરનું તથા પાછળના ભાગે સિલ્વર કલરનું પ્લાસ્ટિક કવર છે. જે કવર ઉપર જોતા આગળના ભાગે વન ડ્રોપ ઇન્સ્ટન્ટ અધેસિવ ફેવિક્વિક લખેલું છે.

પોલીસે અહીંથી કુલ રૂપિયા 18,060ની કિંમતનો 3612 નંગ ડુપ્લિકેટ માલ પોલીસે કબજે કરી પ્રશાંત ઉર્ફે પિન્ટુ કણસાગરા સામે કોપીરાઇટ એક્ટના કાયદાની કલમોનો ભંગ કર્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ફરિયાદી ભૂષણભાઈએ જણાવ્યું હતું કે, જેની સામે કોપીરાઇટ એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો છે તે પ્રશાંત ઉર્ફે પિન્ટુ ગોંડલ ઉપરાંત સૌરાષ્ટ્રભરના તેમની ફેવિક્વિક પ્રોડક્ટનો ડુપ્લિકેટ માલ સપ્લાય કરતો હતો. જેમાં રાજકોટ, શાપર, જૂનાગઢ સહિતનાં સ્થળોએ તે આ ડુપ્લિકેટ માલનો જથ્થો ઓર્ડર મુજબ સપ્લાય કરતો હોવાનું માલુમ પડયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક