અમેરિકાની પોતાના નાગરિકો માટે એડવાઈઝરી, ઉચ્ચ જોખમ શ્રેણીમાં મૂક્યું
વોશિંગ્ટન,
તા.ર9 : અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાનની મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા
પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. સુરક્ષા ચિંતાઓને ટાંકીને અમેરિકાએ પાકિસ્તાનને
સ્તર 3: મુસાફરી પર પુનર્વિચાર કરવા તરીકે વર્ગીકૃત કર્યું છે.
આ નવી
સલાહ ખાસ કરીને આતંકવાદ અને અપહરણના ભયને મુખ્ય કારણો તરીકે ટાંકે છે. સ્તર 3 એક ઉચ્ચ
જોખમ સૂચવે છે જ્યાં ચેતવણી વિના આતંકવાદી હુમલાઓ થઈ શકે છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર
સંભવિત લક્ષ્યોમાં પરિવહન કેન્દ્રો, હોટલો, બજારો, શાપિંગ મોલ, લશ્કરી અને સુરક્ષા
મથકો, એરપોર્ટ, ટ્રેનો, શાળાઓ, હોસ્પિટલો, પૂજા સ્થાનો, પર્યટન સ્થળો અને સરકારી ઇમારતોનો
સમાવેશ થાય છે.
ટ્રમ્પ
સરકારે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ અસ્થિર છે. અમેરિકન નાગરિકોને
તેમની મુસાફરી યોજનાઓ બનાવતા પહેલા બે વાર વિચારવાની સલાહ આપવામાં આવી છે. સલાહમાં
જણાવાયું છે કે આતંકવાદી જૂથો ચેતવણી વિના હુમલો કરી શકે છે અને અપહરણ શક્ય છે. પાકિસ્તાનના
જે વિસ્તારોને સ્તર 4 પર મૂકવામાં આવ્યા છે તેમાં બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા, એલઓસીનો
સમાવેશ કરવામાં આવ્યો છે. આતંકવાદી સંગઠનો અને ગુનાહિત ગેંગ ખંડણી અથવા રાજકીય હેતુઓ
માટે પશ્ચિમી નાગરિકો,એનજીઓ કાર્યકરો અને સરકારી અધિકારીઓનું અપહરણ કરી શકે છે.