સુરત, તા.26:સુરત જિલ્લાના કામરેજના ધોરણ પારડીની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા યુવકોની નાવડી અચાનક પલટી જતા ત્રણ યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને કામરેજ ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ત્રણેય યુવકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતકોમાં
સાદુલ ભુલાભાઈ મેર (ઉં.વ. 23), રાજુ લાલાભાઈ મેર (ઉં.વ. 23) અને દાના સુખાભાઈ શિયાળિયા
(ઉં.વ. 23) નો સમાવેશ થાય છે. ત્રણેય કામરેજની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા
મળ્યું છે. એક જ સોસાયટીના ત્રણ યુવકોના મૃત્યુથી પરિવાર અને ભરવાડ સમાજમાં શોકની લાગણી
ફેલાઈ છે.
દરમિયાન
બીજી ઘટનામાં ડુમ્મસ દરિયાકિનારે ગણેશ વિસર્જન કર્યા બાદ ટ્રેક્ટરમાં પરત ફરી રહેલો
અશ્વિન મેસુરિયા (ઉં.વ. 18) અચાનક ચાલુ ટ્રેક્ટર પરથી નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓ
થતાં તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર
દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ડુમ્મસ પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ
કરી વધુ તપાસ હાથ ધરી છે.