• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

ભાવનગરમાં કાર્યક્રમની આગેવાનીના મુદ્દે યુવક પર છરીથી હુમલો દાળપુરીની લારીએ ઝઘડો કરી છરીના બે-ત્રણ ઘા ઝીંકી , 500ની લૂંટ

ભાવનગર, તા.26:ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં કાર્યક્રમોમાં આગેવાની લેવાના મુદ્દે અગાઉ થયેલી માથાકૂટની અદાવતમાં યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. દાળપુરીની લારીએ નાસ્તો કરી રહેલા યુવકને ચાર શખસે ઘેરી ઢીંકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન છરીના ઘા મારી પગમાં ઈજા પહોંચાડયા બાદ શર્ટના ખિસ્સામાંથી રૂ.500ની નોટ કાઢી લેવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.

ફરિયાદ મુજબ કૃપાલાસિંહ ભુપતાસિંહ ચૌહાણ (ઉં. વ. 35) નિર્મળનગરમાં મજૂરી કામ કરે છે. તેઓ વિસ્તારમાં યોજાતા કાર્યક્રમોમાં આગેવાની લેતા હોવાથી કુશ દિપકભાઈ પરમાર, નિલેશ જયેશભાઈ અને સંજય ઉર્ફે ઢબુ સાથે અગાઉ માથાકૂટ થઈ હતી.

ગઈકાલે રાત્રે આશરે સવા અગિયાર વાગ્યે કૃપાલાસિંહ માધવરત્ન બિલ્ડિંગ પાસે આવેલી મહાદેવ દાળપુરીની લારીએ નાસ્તો કરી રહ્યા હતા. તે સમયે ચાર શખસ ત્યાં પહોંચ્યા હતા. આગેવાની લેવાના મુદ્દે બોલાચાલી બાદ ચારેયે ભેગા મળી હુમલો કર્યો હતો. કુશ પરમારે છરી વડે કૃપાલાસિંહના ડાબા પગના ગોઠણ ઉપરના ભાગે બે-ત્રણ ઘા માર્યા હતા.

આ દરમિયાન સંજય ઉર્ફે ઢબુએ શર્ટમાંથી રૂ.500 કાઢી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. મિત્રો વચ્ચે પડતાં હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ચાર શખસ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક