• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

જૂનાગઢ જમીન વિકાસ નિગમના બે નિવૃત્ત કર્મી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો આશ્રિતોના નામે પણ સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું

જૂનાગઢ, તા.20 : જૂનાગઢ જમીન વિકાસ નિગમના બે નિવૃત્ત કર્મચારીઓ સામે તેમની જાણીતી અને કાયદેસરની આવક કરતાં અપ્રમાણસર મિલકતો વસાવવાના આરોપસર જૂનાગઢ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ જમીન વિકાસ નિગમમાં મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા કરમશી નથુભાઈ ડોબરીયાની એસીબીએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમણે તા.1-4-2006થી તા.28-2-2017 દરમિયાન પોતાની જાણીતી આવક કરતાં અંદાજે રૂ.1.78 કરોડ, એટલે કે 73.04 ટકા વધુ મિલકત વસાવી હતી. તેમના આશ્રિતોના નામે પણ સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બીજા કિસ્સામાં કેશોદ ખાતે ક્ષેત્ર મદદનીશ તરીકે વર્ગ-3માં ફરજ બજાવી નિવૃત્ત થયેલા દિનેશ મૂળજી કાસુદ્રાની તપાસ કરવામાં આવી હતી. તા.1-4-2006થી તા.31-3-2016 દરમિયાન તેમણે પોતાની કાયદેસરની આવક કરતાં અંદાજે રૂ.1.59 કરોડ, એટલે કે 214.25 ટકા વધુ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું તપાસમાં બહાર

આવ્યું છે.

આ મિલકતો પણ પોતાના આશ્રિતોના નામે સ્થાવર અને જંગમ સંપત્તિમાં રોકવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ બંને કિસ્સામાં તપાસ પૂર્ણ થયા બાદ જૂનાગઢ એસીબીએ બંને નિવૃત્ત કર્મચારીઓ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક