• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

સુરેન્દ્રનગર : પતિએ છરીના ઘા ઝીંકી પત્નીની કરી હત્યા

કોર્ટની મુદતેથી પરત ફરતી વેળાએ રિક્ષા રોકીને 27 જેટલા છરીના ઘા ઝીંકી દેવાયા

સુરેન્દ્રનગર, તા.19 : સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં મૂળચંદ રોડ નજીક કોર્ટની તારીખ પૂરી કરીને રિક્ષામાં પરત ફરી રહેલી પત્નીને તેના જ પતિએ અટકાવીને ક્રૂરતાપૂર્વક છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. ઘરકંકાસના અગાઉના વિવાદો અને કોર્ટમાં ચાલી રહેલા કેસની મુદત પૂર્ણ કરી પરત જતી વેળાએ બાઇક સવાર ઇસમે રસ્તામાં રીક્ષા રોકીને આ લોહિયાળ હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્નીને બચાવવા વચ્ચે પડેલા તેમનાં માતા અને રિક્ષાચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ નાસી છૂટ્યો હતો.

 આ ચકચારી બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કચ્છી આરોગ્ય વિભાગમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા રાજેશ કાજિયા સાથે ઘરકંકાસનાં કારણે તેની પત્ની સોનલબેન કોરડિયા છેલ્લા કેટલાક સમયથી પોતાનાં વતન બાળા ગામે માતા જશુબેન કોરડિયા સાથે રિસામણે રહેતા હતા અને આ મામલે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આજે આ કેસની મુદત હોવાથી સોનલબેન, તેમના માતા જશુબેન અને રિક્ષાચાલક દર્શનભાઈ કોર્ટે પહોંચ્યા હતા અને મુદત પતાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે મૂળચંદ નજીક આરોપી રાજેશ કાજિયાએ પોતાની પત્ની સોનલબેન ઉપર 27 જેટલા છરીના ઘા મારીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને કચ્છ સહિતના સંભવિત સ્થળો તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક