• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

માણાવદરમાં મોબાઈલ શોપમાં વેપારીની કરપીણ હત્યાથી ચકચાર

જલ્લા પોલીસ વડાની દોડધામ વચ્ચે હત્યારાઓને પકડવા તપાસના ચક્રો ગતિમાન

માણાવદર, જૂનાગઢ, તા.20: માણાવદરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલી ઈમેજ મોબાઈલ શોપમાં અજાણ્યા શખસોએ ઘૂસીને દુકાનદારની છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. આ હુમલા દરમિયાન દુકાનદારને બચાવવા માટે વચ્ચે પડેલા અન્ય એક વ્યક્તિને પણ હુમલાખોરોએ ગંભીર ઈજા પહોંચાડી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. દિવસના સમયે બનેલી આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર અને ભયનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવી હુમલાખોરોને ઝડપી પાડવા માટે જીણવટભરી તપાસના આદેશ આપ્યા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક દુકાનદાર જસ્મીન બેચરા પર અજાણ્યા શખસોએ અચાનક હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા, જેમાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. દુકાનદારને બચાવવાની કોશિશ કરનાર પ્રવિણ ગાગા બારૈયા (રહે. લીંબુડા) ને પણ હુમલાખોરોએ ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઈજાગ્રસ્ત પ્રવિણ બારૈયા મૃતક જસ્મીન બેચરાનો ખેતીમાં ભાગીદાર હતો. હાલ પોલીસ જૂની અદાવત, પારિવારિક વિવાદ અથવા વ્યવસાયિક વિવાદ જેવા વિવિધ પાસાઓ પર તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતક ઈન્દ્રા ગસ્મનો રહેવાસી હોવાનું જાણવા મળે છે અને પ્રાથમિક તારણ મુજબ જૂની અદાવતના કારણે આ હત્યા થઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે, જેને લઈને પોલીસે મૃતકના પરિવારજનો અને આસપાસના વેપારીઓની પૂછપરછ હાથ ધરી હત્યારાઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક