• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

અમરેલી : ખાણ-ખનીજ વિભાગના કર્મચારીઓને ખનીજ માફિયાઓ ધમકી આપી નાસી છૂટયા

શેત્રુંજી નદીમાં થતી રેતી ચોરી પર તંત્રએ દરોડો પાડી એક ડમ્પર સીઝ કર્યું

અમરેલી, તા.19: અમરેલી તાલુકાના મેડી અને નાના માંડવાળા ગામની શેત્રુજી નદીમાં બેફામ રીતે ચાલતી રેતી ચોરીની ફરિયાદના આધારે આજે ખાણ-ખનીજ વિભાગે દરોડો પડયો હતો. દરમિયાન ખનીજ માફિયાઓએ ખાણ-ખનીજ વિભાગના કર્મચારીઓને ધમકી આપી લોડર અને ટ્રેક્ટર સાથે નાસી છૂટયા હતા. 

અમરેલી તાલુકાના મેડી અને નાના માંડવાળા ગામના લોકો દ્વારા શેત્રુજી નદીમાં મોટા પાયે રેતી ચોરી થતી હોવાની ખાણ-ખનીજ વિભાગને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે ખાણ-ખનીજ વિભાગની ટીમે દરોડો પાડયો હતો. તંત્રની ટીમ સ્થળ પર પહોંચતા ખનીજ માફિયાઓમાં દોડધામ મચી હતી. દરમિયાન ખનીજ માફિયાઓએ ખાણ-ખનીજ વિભાગના કર્મચારીઓને ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં લોડર અને ટ્રેક્ટર લઈને ખનીજ માફિયાઓ સ્થળ પરથી નાસી છૂટયા હતા. જોકે, ખાણ-ખનીજ વિભાગની ટીમે એક ડમ્પર ઝડપી પાડી તેને સીઝ કરી દીધું હતું. આ સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગ દ્વારા ખનીજ માફિયાઓ સામે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક