• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 8 થયો, 49 અસરગ્રસ્ત

-નકલી રોયલ સ્ટેગના નામે ઝેરી દારૂકાંડમાં જખઈની તપાસ તેજ; 21 આરોપી સામે ગુનો, 13ની ધરપકડ

-વરતેજમાં કેમિકલયુક્ત ડુપ્લીકેટ દારૂ બનાવવાનું નેટવર્ક ઝડપાયું; મુખ્ય આરોપી રઇસ ઉજ્જૈનથી પકડાયો, રોયલ સ્ટેગની નકલી બોટલોનો વપરાશ

-મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર સ્થિતિની મેળવી માહિતી

 

 

ભાવનગર, તા. 20 ભાવનગરના વરતેજ વિસ્તારમાં નકલી અને ઝેરી દારૂના સેવનથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 8 થયો છે. જિલ્લા કલેક્ટરે સત્તાવાર રીતે 8 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે, જ્યારે કુલ 49 લોકો અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અસરગ્રસ્તોમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, બિનસત્તાવાર રીતે મૃત્યુઆંક 9 હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને પગલે રાજ્ય સરકાર અને ડીજીપીનાના આદેશથી સ્ટેટ મોનિટારિંગ સેલએ તપાસ સંભાળી છે. એસએમસીના એસપી ચાવડાએ જણાવ્યું હતું કે પોલીસ નકલી દારૂની છેલ્લી બોટલ અને છેલ્લા ટીપા સુધી જપ્ત કરવાની કામગીરી કરી રહી છે અને મોટાભાગનો ઝેરી દારૂ કબજે કરી લેવાયો છે.

એસએમસીની વિવિધ ટીમોએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી નકલી દારૂની બોટલો, ઝેરી કેમિકલ, કલર, નકલી સ્ટીકરો, બોટલના ઢાંકણાં, સ્ટીકર રોલ અને પુઠ્ઠાં સહિતનો મોટો જથ્થો કબજે કર્યો છે. પોલીસ તપાસમાં સામગ્રી દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે નકલી દારૂનું નેટવર્ક શોધવા માટે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને દિલ્હી સહિતના રાજ્યોમાં પણ તપાસ લંબાવી છે. ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની વિવિધ ટીમો રવાના કરવામાં આવી છે. આરોપીઓ ઉપરાંત કેટલાક સગા-સંબંધીઓએ પણ નકલી દારૂના પુરાવાનો નાશ કરવામાં ભૂમિકા ભજવી હોવાની પોલીસને માહિતી મળી છે. મામલે તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે જે કોઈના નામ સામે આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નકલી વિદેશી દારૂની ગંભીર ઘટનાને પગલે મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી  પરસોત્તમભાઈ સોલંકીએ સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર ઘટનાની તેમજ અસરગ્રસ્તોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મંત્રીએ અસરગ્રસ્તોને વિલંબ વિના યોગ્ય તબીબી સારવાર મળી રહે તેમજ જરૂરી આરોગ્યસેવાઓ ઉપલબ્ધ બને તે માટે અધિકારીઓને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ઉપરાંત, મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા યુવા કોળી સેનાના પ્રમુખ  દિવ્યેશભાઈ સોલંકીએ સમાજના કાર્યકર્તાઓને અસરગ્રસ્તો તથા તેમના પરિવારજનોની પડખે રહી જરૂરી સહયોગ અને મદદરૂપ થવા સૂચના આપી હતી. દરમિયાન, અગ્રણીઓએ ખરકડી ગામે મૃતકના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.

---------------------------

21 આરોપી સામે ગુનો 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર

વરતેજ વિસ્તારમાં નકલી અને ઝેરી દારૂ બનાવવાની તથા તેનું ગેરકાયદે વેચાણ કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા કુલ 21 લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તે પૈકી અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં ગૌતમ વીરમભાઈ સોલંકી, જતીન સુરેશભાઈ કાંબડ, સારસ દશરથભાઈ સોલંકી, પારસ ઉર્ફે પપ્પુ લાલજીભાઈ ચુડાસમા, મનદીપાસિંહ પૃથ્વીરાજાસિંહ ગોહિલ, ધર્મેન્દ્રાસિંહ ઉર્ફે ધમો બટુકાસિંહ ગોહિલ, જયદીપ જીવરાજ મકવાણા, હર્ષ ઉર્ફે હસુ રોહિતભાઈ ચૌહાણ, વિવેક અરજણ અલગોતર, ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટ, કેવલ ઉર્ફે સાંગો રમેશભાઈ સોલંકી, સુખદેવ બાધાભાઈ સલાટ અને હાર્દિક ઉર્ફે ટીંચો ગાવિંદભાઈ બારૈયાનો સમાવેશ થાય છે. તમામ 13 આરોપીઓને આજે ભાવનગરની નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીઓના રિમાન્ડની માંગણી કરતા, કોર્ટે તમામ 13 આરોપીઓના આગામી તા.31 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે, જેમાં નકલી દારૂના મોટા કૌભાંડ અંગે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર તપાસ એસએમસીના પીઆઇ એસ.એમ. જાડેજાને સોંપવામાં આવી છે.

ઈથેનોલ અને મિથેનોલનો ઉપયોગ કરીને નકલી દારૂ બનાવાતો !

તપાસ દરમિયાન મૃતકો અને અસરગ્રસ્તોએ રોયલ સ્ટેગ કંપનીના સ્ટીકરવાળી બોટલમાંથી દારૂનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું છે. એફએસએલ તપાસમાં દારૂમાં ઝેરી કેમિકલ મિથેનોલની હાજરી મળી આવી છે. પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર નકલી દારૂ વરતેજમાં આરોપી ગૌતમ સોલંકીના ઘરે તૈયાર કરવામાં આવ્યો હતો. એસએમસીના એસપી ચાવડાના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી રઈસ છેલ્લા દોઢેક મહિનાથી ભાવનગર ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઈથેનોલ અને મિથેનોલ સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને નકલી દારૂ બનાવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. રઈસની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂ બનાવવામાં નિષ્ણાત હોવાનું કહેવાતા આરોપી નરેન્દ્ર યાદવ ઉર્ફે ડોકટરનું અગાઉ મૃત્યુ થઈ ચૂક્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક