• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

મહુવા PSI સસ્પેન્ડ : બુટલેગર પાસે હપ્તા માંગતો ઓડિયો વાઇરલ

એસપીની કડક કાર્યવાહી

ભાવનગર, તા.18: ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ દેશી દારૂના બુટલેગર પાસે નાણાકીય માગણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. વાઇરલ થયેલી ઓડિયો ક્લિપમાં બુટલેગર પાસે દારૂનો હપ્તો ઉઘરાવતા અને તેને ધમકાવતા સ્પષ્ટ સંભળાયું હતું. કાયદાના રક્ષક દ્વારા જ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સ પાસે નાણાંની ઉઘરાણી કરવાના આ ગંભીર કિસ્સાને પગલે વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ મામલે કડક કાર્યવાહી હાથ ધરીને મહ્નવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.એમ. પરમારને ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઓડિયો ક્લિપમાં પીએસઆઈ પરમાર મહુવાના ‘લાલા’ નામના બુટલેગર પાસે હપ્તાની માંગણી કરતા સાંભળવા મળ્યા હતા. વિભાગની પ્રતિષ્ઠા જાળવવા અને શિસ્તભંગ બદલ એસપી દ્વારા લેવાયેલા આ પગલાના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓમાં લિપ્ત તત્ત્વો અને ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો.

ઇ-પેપરના નવા શુલ્ક