ટ્રેન મારફતે ભાગી રહેલા ત્રણ આરોપીઓ બાવળા રેલવે સ્ટેશનથી ઝડપાયા
બોટાદ,
તા.17: બોટાદ શહેરના નીલમ શાપિંગ સેન્ટર સ્થિત હીરા બજારમાં રવિવારે બપોરે બનેલી મોટી
ચોરીની ઘટનાનો પોલીસે માત્ર સાત કલાકમાં જ પર્દાફાશ કરી દીધો છે. હીરા વેપારીની ઓફિસમાંથી
ટેબલનું લોક તોડીને આશરે 43.11 લાખ રૂપિયાની કિંમતના 1437 કેરેટ તૈયાર હીરાની ચોરી
થઈ હતી. આ બનાવ અંગે માહિતી મળતા જ બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક સંયુક્ત
ઓપરેશન હાથ ધર્યું હતું. સીસીટીવી ફૂટેજ અને ‘નેત્રમ’ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી
આરોપીઓ ટ્રેન મારફતે ભાગી રહ્યા હોવાનું સામે આવતા, બાવળા રેલવે સ્ટેશન પર ટ્રેનને
કોર્ડન કરીને પોલીસે તબક્કાવાર સફળ કાર્યવાહી કરી હતી અને ચોરીનો 100 ટકા મુદ્દામાલ
સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે.
આ ઝડપી
તપાસ અને સફળ ઓપરેશન દરમિયાન બોટાદ એસ.પી ધર્મેન્દ્ર શર્મા અને અમદાવાદ એસ.પી. ઓમપ્રકાશ
જાટના સીધા સંકલનથી પોલીસે ભિખારીના સ્વાંગમાં ચોરી કરનાર શખસોને પકડી પાડયા હતા. ફરિયાદી
હીરા વેપારી અશોકભાઈ કણકોટીયાની ઓફિસમાંથી ચોરીને અંજામ આપીને નાસી રહેલા આરોપીઓ બચુ
રમુભાઈ સાડમિયા, વિના ધીરૂભાઈ જીલિયા અને સપના બચુભાઈ સાડમિયાને પોલીસે બાવળા રેલવે
સ્ટેશનેથી ઝડપી લીધા હતા. મહિલાના થેલામાંથી કપડાં અને ગોદડાં નીચે છુપાવેલી હાલતમાં
ચોરાયેલા હીરાની પડીકીઓ મળી આવી હતી, જેની ફરિયાદી દ્વારા ઓળખ-ખરાઈ કરાઈ હતી. પોલીસે
કુલ રૂ. 43.17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની સઘન
કાર્યવાહી હાથ ધરી છે.