• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

હોર્મુઝ અમેરિકાનો નવો વિસ્તાર !

ક્ષ         ફરી ઈરાનને ઉશ્કેરતા ટ્રમ્પ હોર્મુઝનો નક્શો પોસ્ટ કરીને કાંકરીચાળો

નવીદિલ્હી, તા.18 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝને લઈને ઈરાન સાથે તણાવ વધારી નાખતો મોટો દાવો કરી નાખ્યો છે. તેમણે ટ્રૂથ સોશિયલ મીડિયા ઉપર એક નક્શો પોસ્ટ કરીને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ જળમાર્ગને અમેરિકાનો નવો વિસ્તાર ગણાવ્યો છે. બીજી તરફ, તેહરાને સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી વાશિંગ્ટન વચગાળાના શાંતિ કરાર હેઠળ આપેલા વચનો પૂરા નહીં કરે ત્યાં સુધી દરિયાઈ માર્ગ બંધ રહેવાનો છે.

ઉલ્લેખનીય છે કે, ઉશ્કેરણીજનક નક્શો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઊર્જા પરિવહન માટે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંના એક હોર્મુઝ પર અમેરિકાનું નિયંત્રણ છે. પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી અને અરબી સમુદ્ર સાથે જોડતા સાંકડા માર્ગ પર નેવિગેશનનાં નિયંત્રણને લઈને પહેલેથી ચાલી રહેલા વિવાદમાં આનાથી એક નવું પરિમાણ ઉમેરાયું છે.

ટ્રમ્પે અનેક વખત જળમાર્ગને અમેરિકાનો વિસ્તાર જાહેર કરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે ફરી કહ્યું હતું કે એક ખૂબ સારો વિચાર લાગે છે. અમે નાકાબંધી દ્વારા તેને નિયંત્રિત કરીએ છીએ. મને તેને એક વિસ્તાર જાહેર કરવાનો વિચાર ગમે છે. હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે.

પહેલાં શુક્રવારે લોંગ આઇલેન્ડમાં એક રિપબ્લિકન રેલીને સંબોધિત કરતાં ટ્રમ્પે કહ્યું હતું, ઈરાનને હરાવ્યા બાદ હું બહુ જલ્દી હોર્મુઝને અમેરિકાનો વિસ્તાર જાહેર કરી નાખીશ.

બીજી તરફ, ઈરાનના વરિષ્ઠ વાટાઘાટકાર મોહમ્મદ બાઘેર ગાલિબાફે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમેરિકા તે પ્રતિબદ્ધતાઓ અમલમાં નહીં મૂકે, જેને તેહરાન બન્ને દેશ વચ્ચે થયેલા સમજૂતી કરારનો ભાગ માને છે, ત્યાં સુધી હોર્મુઝ ખોલવામાં નહીં આવે. દરમિયાન તેમણે વાશિંગ્ટન પાસે અમેરિકન નૌકાદળની નાકાબંધી દૂર કરવાની, તેલ પર લગાવવામાં આવેલાં પ્રતિબંધો હટાવવાની અને વિદેશોમાં જમા ઈરાની સંપત્તિ પરનાં પ્રતિબંધો દૂર કરવાની માગ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક