• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ધારી ગિર પૂર્વ વનવિભાગની કાર્યવાહી, ચાર મહિનામાં 75 ગુના નોંધાયા

શિકાર, ગેરકાયદે પ્રવેશ અને લાકડાની હેરફેર સામે રૂ.13.30 લાખનો દંડ વસૂલાયો

અમરેલી,તા.18: ધારી ગિર પૂર્વ વનવિભાગ દ્વારા જંગલની સુરક્ષા અને વન્યપ્રાણીઓના રક્ષણ માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. છેલ્લા ચાર મહિનામાં જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ, શિકાર, પરવાનગી વિના લાકડાની હેરફેર અને પ્લાસ્ટિક કચરો ફેંકવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ધારી ગિર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વનવિભાગે સઘન તપાસ હાથ ધરી કુલ 75 ગુનાઓ નોંધીને રૂ. 13.30 લાખનો દંડ વસૂલ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જંગલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના સૌથી વધુ 38 ગુના નોંધાયા છે, જેમાંથી વનવિભાગે રૂ. 7,64,400નો દંડ વસૂલ કર્યો છે. આ ઉપરાંત, વન્યજીવોના શિકારને લગતા 8 ગંભીર ગુના પકડાયા છે. જે પૈકી 4 કેસ હાલ કોર્ટમાં વિચારણા હેઠળ છે, જ્યારે અન્ય 4 કેસમાં રૂ. 2,20,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. અભ્યારણ્યમાંથી પાસ-પરમિટ વગર ગેરકાયદેસર લાકડાની હેરફેર કરતા ઇસમો સામે પણ કાર્યવાહી કરી રૂ. 3 લાખનો દંડ વસૂલ કરાયો છે. સાથોસાથ, જંગલમાં પ્લાસ્ટિક કચરો ફેલાવવાના મામલે 17 ગુના નોંધીને રૂ. 32,500નો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક