ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જી. જી. હોસ્પિટલ અને રાજકોટ ખસેડવામાં આવ્યા
જામનગર,
તા.17 : જામનગર - ખંભાળિયા હાઇ વે પર મોટી ખાવડી નજીક મચ્છી માર્કેટ પાસે ગત 15 ઓગસ્ટના
રોજ એક સીએનજી રિક્ષા, મહિન્દ્રા બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત
સર્જાયો હતો. પિકઅપ વાહનના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી સાઇડમાંથી
ટક્કર મારતાં રિક્ષા કાબૂ બહાર ગઈ હતી અને સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. આ ગંભીર
અકસ્માતમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા લોકો પૈકી બે પરપ્રાંતીય યુવાનનાં કમકમાટીભર્યાં
મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય કેટલાક ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની
જી. જી. હોસ્પિટલ અને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે મેઘપર (પડાણા)
પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ભયાનક
અકસ્માતમાં જીવ ગુમાવનાર અને ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓની વિગતો મુજબ, બિહારના મૂળ નિવાસી
અને મોટી ખાવડી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા રાહુલકુમાર મિથિલેશ ઠાકુર (ઉં. 33)ને
ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેમની સાથે રિક્ષામાં બેઠેલા
પોનો ઉર્ફે ધીનો કિશન હેમ્બ્રમ (ઉં. 28)નું રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન
મૃત્યુ થયું હતું. સુરતથી જામનગર દોડી આવેલા ફરિયાદી રોશનકુમાર ઠાકુરના ભાઈ રાહુલકુમાર
સહિત ચાર વ્યક્તિઓ સીએનજી રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા, જે રિક્ષાને મહિન્દ્રા
પિકઅપના ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક કરણ માતંગ તથા અન્ય મુસાફર
તુરી પૂર્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને જી. જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં
આવી હતી.