સોનાના દાગીના તથા વાહનો મળી કુલ રૂ. 36.89 લાખની રિકવરી કરતી પોલીસ
ભાવનગર,
તા.18: ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શેરબજારમાં રોકાણ ઉપર 20% વળતર આપવાની
લોભામણી સ્કીમના ગુનાની તપાસ દરમિયાન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ સ્કીમમાં
ભાગીદાર કે એજન્ટ તરીકે રહીને ગેરકાયદેસર લાભ મેળવી ચીજવસ્તુઓની ખરીદી કરનાર વધુ સાત
આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી સોનાના દાગીના, વાહનો, મોબાઈલ
ફોન અને હિસાબના ચોપડા કબજે કરીને કુલ રૂપિયા 36,89,985/- ની કિંમતનો મુદ્દામાલ રિકવર
કર્યો છે.
આ પ્રકરણમાં
પકડાયેલા સાત આરોપીઓમાં વિનોદભાઇ ધીરૂભાઇ ઘાંઘવ (રહે. ફરિયાદકા), કુલદીપ ઉર્ફે પવન
તળશીભાઇ ધામેચા (રહે. ફરિયાદકા), કેવલભાઇ વિજયભાઇ ઘાંઘવ (રહે. સિહોર), વિજયભાઇ ભુપતભાઇ
ઉણેચા (રહે. ફરિયાદકા), જગદિશભાઇ ઉર્ફે પીન્ટુ દામજીભાઇ ઉણેચા (રહે. ફરિયાદકા), સંજયભાઇ
મનજીભાઇ ઉણેચા (રહે. ફરિયાદકા) અને દિલીપભાઇ મોહનભાઇ ઉણેચા (રહે. ફરિયાદકા) નો સમાવેશ
થાય છે. દરમિયાન, જિલ્લા પોલીસ દ્વારા નાગરિકો જોગ અપીલ કરવામાં આવી છે કે જો કોઈએ
સંજયભાઇ ધામેચા કે યોગેશભાઇ ધામેચા પાસે નાણાંનું રોકાણ કર્યું હોય અને રકમ પરત ન મળી
હોય, તો તેઓ જરૂરી પુરાવા સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીનો સંપર્ક કરી કાયદેસરની
કાર્યવાહી કરાવી શકે છે.