• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

સુરતમાં યુવકે માતાની હત્યા નિપજાવી પોતે આત્મહત્યા કરી

સ્ટેશનરીની નોકરી છોડી શેરબજારમાં ઝંપલાવતા માથે 50 લાખનું દેવું થઈ ગયું હતું : સુસાઇડ નોટમાં આપઘાતનું કારણ જણાવાયું

સુરત,તા.1: સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એ.કે. રોડ પરની રૂપમ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. શેરબજારમાં અંદાજે 40થી 50 લાખ રૂપિયાનું મોટું નુકસાન થવાના કારણે માનસિક તણાવમાં આવેલા 36 વર્ષીય જતીન જગદીશ સોનાણી નામના યુવકે પોતાની 63 વર્ષીય માતા ભાનુબેનની ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. માતાની હત્યા કર્યા બાદ યુવકે પોતે પણ પંખા સાથે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

મૂળ ભાવનગરના મહેસાણકા ગામના વતની અને સુરતમાં ભાડાના મકાનમાં રહેતા આ માતા-પુત્ર વચ્ચેનો સંબંધ ખૂબ જ ગાઢ હતો. જ્યારે જતીન માત્ર 6 મહિનાનો હતો ત્યારે નિ:સંતાન મોટા પપ્પા જગદીશભાઈ અને તેમના પત્ની ભાનુબેન દ્વારા તેને દત્તક લેવામાં આવ્યો હતો. વર્ષ 2014માં પતિના અવસાન બાદ માતા-પુત્ર સાથે મળીને ગુજરાન ચલાવતા હતા. જતીન સ્ટેશનરીની નોકરી છોડીને મિની બજાર ખાતે શેરબજારની ઓફિસ શરૂ કરી હતી, જેમાં તેને મોટું આર્થિક નુકસાન થયું હતું.

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે શુક્રવારે બપોરે ઘરનો દરવાજો ન ખૂલતા પડોશીઓએ બારીમાંથી તપાસ કરી હતી. અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને બંનેના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક પીએમ માટે ખસેડયા હતા. પોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી એક પાનાની સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં આર્થિક સંકટ, દેવાની લેવડ-દેવડની વિગતો અને પરિવારની માફી માગવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક