અમારા પ્રતિનિધિ તરફથી અમદાવાદ, તા.26 : ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસાની સિઝનમાં પડી રહેલા ધોધમાર અને અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પૂર જેવી પરિસ્થિતિ અને પાણી ભરાવાના કારણે સામાન્ય જનજીવનની સાથે-સાથે વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા છે. નાણાકીય વર્ષ 2026-27 માટે આવકવેરા રિટર્ન ભરવાની વર્તમાન આખરી તારીખ 31 જુલાઈ નિર્ધારિત કરવામાં આવી છે. આ કુદરતી આપત્તિ અને વિકટ સંજોગોનાં કારણે રાજ્યના અનેક વેપારીઓ અને કરદાતાઓ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાના રિટર્ન ફાઇલ કરી શકે તેવી સ્થિતિમાં નથી.
વેપારીઓ
અને ટેક્સ કન્સલ્ટન્ટ્સ સામે ઊભી થયેલી આ ગંભીર મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ
પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના વેપારીઓ અને ઇ.અ. એ સંયુક્ત રીતે સેન્ટ્રલ બોર્ડ
ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે સીબીડીટીને પત્ર પાઠવ્યો છે. આ પત્ર દ્વારા ભારે વરસાદ
અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદતમાં ઓછામાં ઓછા
15 દિવસનો વધારો કરવાની પ્રબળ માગ કરવામાં આવી છે. જેથી મુશ્કેલીમાં મુકાયેલા કરદાતાઓને
રાહત મળી શકે અને તેઓ દંડ કે વ્યાજથી બચી શકે.વેપારીઓની આ વાજબી માગ બાદ હવે સમગ્ર
રાજ્યના કરદાતાઓ અને વ્યાપારી આલમની નજર કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ
ટેક્સિસના આગામી નિર્ણય પર ટકેલી છે. જો તંત્ર દ્વારા સમયસર હકારાત્મક નિર્ણય લેવામાં
નહીં આવે તો હજારો વેપારીઓને ટેક્સ ભરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ
છે. આ મુદત વધારા અંગે સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું પરંતુ હાલ
તો વેપારી વર્ગમાં રાહતના સમાચારની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.