તપાસમાં પણ ફ્રોડની પુષ્ટિ: પી.એમ.સી. અને મનપાના અધિકારીઓએ પણ સમયસર વાંધો ન ઉઠાવતા શંકા વધુ ગાઢ બની
10
દિવસમાં પગલાં નહીં લેવાય તો હાઇ કોર્ટમાં અરજી કરવાની અને જનઆંદોલન શરૂ કરવાની ચેતવણી
આરટીઆઇ
બાદ સિમેન્ટ, પાઇપ અને મેનહોલના બનાવટી બિલો સામે આવ્યાં
જૂનાગઢ,
તા.26 : જૂનાગઢ મહાનગરપાલિકાના રૂ.223 કરોડના ભૂગર્ભ ગટર ફેઝ-2 પ્રોજેક્ટમાં ગંભીર
ગેરરીતિઓ સામે આવતાં વિવાદ ઊભો થયો છે. ગટરનું કામ કરતી એજન્સીએ સિમેન્ટ, પાઇપ, મેનહોલ
કવર અને અન્ય સામગ્રીના બનાવટી ડિલિવરી ચલણો રજૂ કર્યાં હોવાનો આક્ષેપ થયો છે. આરટીઆઇ
હેઠળ મળેલી માહિતીના આધારે કરાયેલી પોલીસ તપાસમાં પણ કેટલાક ચલણો બોગસ હોવાનું સામે
આવ્યું છે. તેમ છતાં જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી
ન થતાં અનેક સવાલો ઉભા થયા છે.
નગરજનોના
જણાવ્યા મુજબ ગટરની કામગીરી ખૂબ જ નબળી ગુણવત્તાની હોવાથી પ્રથમ જ વરસાદમાં અનેક વિસ્તારોમાં
ગટરો ઉભરાવા લાગી છે. ટેન્ડરની શરતો મુજબ થવી જોઈએ તેવી પીસીસી અને કાપિંગ સહિતની કામગીરી
યોગ્ય રીતે કરવામાં આવી ન હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટની દેખરેખ
રાખતી પી.એમ.સી. અને મનપાના અધિકારીઓએ પણ સમયસર વાંધો ન ઉઠાવતા શંકા વધુ ગાઢ બની છે.
આરટીઆઇ
એક્ટિવિસ્ટ નરેશ ડવે જણાવ્યું હતુ કે, ટંકારા, મોરબી અને વિજાપુર પોલીસની તપાસમાં રજૂ
કરાયેલા કેટલાંક ચલણો બનાવટી હોવાનું સ્પષ્ટ થયું છે. ઉપરાંત એજન્સીએ જીએસટી અને પીએફના
નિયમોનું પાલન ન કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડયાનો પણ આક્ષેપ છે. તેમણે જણાવ્યું
કે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા અનેક રજૂઆતો છતાં કાર્યવાહી થઈ નથી. આગામી
10 દિવસમાં પગલાં નહીં લેવાય તો હાઇ કોર્ટમાં અરજી કરવાની અને જનઆંદોલન શરૂ કરવાની
ચેતવણી આપવામાં આવી છે.
જાગૃત
યુવાન નિલેશ ગરેણિયાના જણાવ્યા મુજબ એજન્સીને અત્યાર સુધીમાં લગભગ 15 બિલની ચુકવણી
થઈ ચૂકી છે, પરંતુ મનપા પાસે ટ્રાયલ પિટના ફોટોગ્રાફ, વર્ક પ્રોગ્રેસ રિપોર્ટ અને ટેક્નિકલ
ડ્રોઇંગ જેવા જરૂરી રેકોર્ડ ઉપલબ્ધ નથી. આ તમામ દસ્તાવેજો જાહેર કરવામાં આવે તો સમગ્ર
ગટર પ્રોજેક્ટમાં થયેલા સંભવિત કૌભાંડનો મોટો ખુલાસો થઈ શકે તેમ છે.