કોઈનો અંગુઠો કપાયો તો કોઈના કાંડા કપાયા : પોલીસે રાયોટિંગ, હત્યાનો પ્રયાસ, સીટની કલમો હેઠળ ગુનો નોંધ્યો
પોરબંદર,
તા.27 : પોરબંદરના લાટીબજારમાં મચ્છીમાર્કેટ પાસે રહેતા યુવક અને તેનો પરિવાર તાજીયાના
તહેવાર નિમિત્તે સંધી જમાતખાના પાસે પ્રસાદીનો સ્ટોલ લગાવીને બેઠા હતા. આ દરમિયાન રાત્રે
સાડા દસ વાગ્યાની આસપાસ જૂની અદાવત રાખીને અઝીમ યુનુસ કાદરી અને તેના પિતા યુનુસ કાદરી,
સમીર અને સકીલ ઉપરાંત ઈમ્તિયાઝ સિપાઈ, એજાજ નાલબંધ, ફારૂક મુરુ, યુસુફ મુરુ સહિત આઠ
જેટલા શખસો તલવાર અને છરી સાથે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ પરિવાર પર અચાનક તૂટી પડીને
આડેધડ ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. આ ભયાનક
હુમલામાં નજીર મુસાના માથામાં ઘા વાગ્યો હતો અને બચાવ કરવા જતાં તેમનો ડાબો અંગૂઠો
કપાઈ ગયો હતો, જ્યારે તેમના ભાઈ રફીકનો આખો હાથ કાંડાથી કપાઈ ગયો હતો. પરિવારના અન્ય
સભ્યો હુસૈન, સાહિલ, સિરાજ અને સમીરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. વચ્ચે બચાવવા પડેલી
મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવાસિંહજી
હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાને
પગલે ભાવાસિંહજી હોસ્પિટલ અને મેમણવાડા વિસ્તારમાં કોઈ વધુ અનિચ્છનીય બનાવ કે જૂથ અથડામણ
ન થાય તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભોગ બનનાર પરિવારે આક્ષેપ
કર્યો છે કે હુમલાખોરો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવા છતાં પોલીસ ઢીલી નીતિ દાખવી રહી
છે. હાલમાં કીર્તિમંદિર પોલીસે આઠેય આરોપીઓ સામે રાયાટિંગ અને હત્યાની કોશિશ સહિતની
કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.