તસ્કરો મંદિરોમાં ભક્ત બનીને જતા અને બાદ રેકી કરી રાત્રીના સમયે તાળા તોડી ચોરી કરતા હતા
ભાવનગર,
તા.19: ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલા ધાર્મિક સ્થળો અને મંદિરોને નિશાન
બનાવી 100 જેટલી ચોરીની વારદાતોને અંજામ આપનાર બે આંતર જિલ્લા રીઢા ચોરોને ભાવનગર લોકલ
ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી લીધા છે.
પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના ઓગાળેલા ઢાળિયા, કાર અને રોકડ સહિત કુલ રૂપિયા
5,83,050/- નો મુદ્દામાલ કબજે કરી મંદિર ચોરીના અનેક વણશોધાયેલા ગુનાઓનો પર્દાફાશ કરવામાં
મોટી સફળતા મેળવી છે.
ભાવનગર
પોલીસ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે અગાઉ મંદિર ચોરીઓમાં
પકડાયેલા અતુલ પ્રવીણભાઇ ધકાણ અને ભરત સોની એક સફેદ કલરની મારૂતિ સેલેરીયો કાર લઈને
પીપળિયા પુલ ભાવનગર જવાના રસ્તે ઉભા છે અને તેમની પાસે શંકાસ્પદ સોના-ચાંદીના દાગીના
છે. પોલીસે તુરંત વોચ ગોઠવી આ બંને શખસને આંતરી લીધા હતા. સોના-ચાંદીના જથ્થા અંગે
કોઈ બિલ કે સંતોષકારક આધાર ન રજૂ કરી શકતા પોલીસે આ મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંનેની
ધરપકડ કરી હતી. પોલીસની આગવી ઢબે પૂછપરછ દરમિયાન બંને તસ્કરો ભાંગી પાડયા હતા અને તેઓએ
છેલ્લા લાંબા સમયથી ભાવનગર, અમરેલી, અમદાવાદ રૂરલ, અમદાવાદ સીટી, સુરેન્દ્રનગર, બોટાદ
અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા અંદાજે 100 જેટલા મંદિરોમાંથી
સોના-ચાંદીના દાગીના તથા છત્રની ચોરી કર્યાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.પોલીસે આરોપીઓ
પાસેથીસોના ચાંદીના દાગીના અને કાર મળી કુલ રૂપિયા 5,83,050/- નો મુદ્દામાલ જપ્ત કર્યો
છે.
આ આરોપીઓ સામાન્ય ભક્ત બનીને મંદિરોમાં દર્શન કરવાના
બહાને જતા અને રેકી કરતા હતા. ત્યારબાદ જ્યારે મંદિર બંધ હોય અથવા બપોર કે રાત્રિના
સમયે ત્યાં કોઈ હાજર ન હોય, ત્યારે મંદિરના તાળા તોડી અંદર પ્રવેશતા હતા. તેઓ મુખ્યત્વે
મૂર્તિ પર ચડાવેલા સોના-ચાંદીના દાગીના તેમજ દાનપેટી તોડીને તેમાંથી રોકડ રકમની ચોરી
કરવાની ટેવ ધરાવે છે.