• શુક્રવાર, 19 જૂન, 2026

ગોંડલના ડૈયા ગામે પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દેવા કાવતરું ઘડયું’તું

ગોંડલ, તા.18: ગોંડલ તાલુકાના ડૈયા ગામે હત્યાના પ્રયાસનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો છે.પત્ની અને પ્રેમી ને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચએ જડપી લઇ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિની પત્ની અને તેના પ્રેમીની સંડોવણી સામે આવતા ચકચાર મચી ગઈ છે. 

    પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 17 ના ગોંડલ તાલુકાના ડૈયા ગામની સીમમાં ઇદગાહ તરફ જતા રસ્તા પાસે નદી કાંઠે જુનેદ ઇબ્રાહીમભાઈ કબીર લોહીલુહાણ અને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્તના ભાઈ યાશીનભાઈ ઇબ્રાહીમભાઈ કબીરે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અજાણ્યા શખસ સામે ગુનો નોંધવામાં આવ્યો  હતો.

    બનાવ નાં પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ઇજાગ્રસ્ત જુનેદની પત્ની નામિયા અને પાડોશમાં રહેતા આશીફભાઈ સતારભાઈ ડેલા વચ્ચે પ્રેમસંબંધ હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે જુનેદ પત્નીને વારંવાર ત્રાસ આપતો અને મારઝૂડ કરતો હોવાથી બન્ને કંટાળી ગયા હતા. ત્યારબાદ આશીફ અને નામિયાએ મળીને જુનેદને રસ્તામાંથી દૂર કરવા કાવતરું રચ્યું હતું. પૈસાની લાલચ આપી ડૈયા ગામે લઈ જઈ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આશીફે જુનેદને વધુ પૈસા કમાવવાની લાલચ આપી રાત્રિના સમયે ડૈયા ગામની સીમમાં ઇદગાહ પાસે નદી કાંઠે બોલાવ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ આશીફે જુનેદને મારી નાખવાના ઇરાદે તેના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે સઘન પૂછપરછ દરમિયાન બંને આરોપીઓ પાસેથી ગુનાની કબૂલાત મેળવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક