• શનિવાર, 20 જૂન, 2026

દેશના 9.44 કરોડ ખેડૂતો પર આજે થશે રૂ.18,880 કરોડની સહાયનો વરસાદ

ઙખ-કિસાનનો 23મો હપ્તો વડાપ્રધાન મોદી દ્વારા પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વરથી રિલીઝ કરાશે

 

 

ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને રૂ.1,025 કરોડથી વધુની સીધી સહાય મળશે

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ યોજાશે

અમદાવાદ, તા.19 : દેશના ખેડૂતોને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો આવતીકાલ તા.20 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વરથી રિલીઝ કરવામાં આવશે. આ અવસરે વડાપ્રધાન દેશભરના કરોડો ખેડૂતોને સંબોધિત કરશે અને વિવિધ કૃષિ પહેલો અંગે માર્ગદર્શન આપશે.

23મા હપ્તા અંતર્ગત દેશના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધી ડીબીટી પદ્ધતિથી રૂ.18,880 કરોડથી વધુની સહાય જમા કરવામાં આવશે. તેમાં ગુજરાતના આશરે 51.28 લાખ ખેડૂતોને રૂ.1,025 કરોડથી વધુની રકમ સીધી તેમના ખાતામાં મળશે. ડીબીટી વ્યવસ્થાના કારણે સહાય સીધી ખાતામાં જમા થતી હોવાથી પારદર્શિતા વધી છે અને વચેટિયાઓની ભૂમિકા સંપૂર્ણપણે નાબૂદ થઈ છે. યોજનાના અગાઉના 22 હપ્તામાં દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને રૂ.4.28 લાખ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. ગુજરાતમાં 69 લાખથી વધુ ખેડૂત પરિવારોને અત્યાર સુધી રૂ.23,083 કરોડથી વધુનો સીધો લાભ મળ્યો છે.

રાષ્ટ્રીય કાર્યક્રમના અનુસંધાને ગાંધીનગર ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ યોજાશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશ કટારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજ્યભરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ અને પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો ખાતે કાર્યક્રમોના જીવંત પ્રસારણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક