• શનિવાર, 20 જૂન, 2026

શિવસેનાનું અધ્યક્ષ પદ છોડવા ઉદ્ધવની તૈયારી

પક્ષ ફરી ભંગાણની અણીએ છે ત્યારે ઠાકરેનું મોટું નિવેદન

મુંબઈ,તા.19: પક્ષ ફરી ભંગાણની અણીએ આવીને ઉભો છે ત્યારે શિવસેના(યુટીબી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક મોટું વિધાન કરતાં કહ્યું છે કે, જો પક્ષનાં કાર્યકરો અને નેતાઓને લાગતું હોય કે તે શિવસેના અધ્યક્ષ પદે યોગ્ય નથી તો પોતે આ પદ છોડવા પણ તૈયાર છે.

ઉદ્ધવે કહ્યું હતું કે, હું કોઈપણ યોગ્ય વ્યક્તિને શિવસેના અધ્યક્ષ બનાવવા માટે તૈયાર છું. હું કોઈપણ સંઘર્ષમાં પાછળ હટવાનો નથી પણ જો કોઈને લાગતું હોય કે આ જવાબદારી માટે હું ઉચિત નથી તો હું પદ છોડી દઈશ.

ઉદ્ધવે આજે પક્ષનાં કાર્યકરોને સંબોધન કર્યુ હતું અને કહ્યું હતું કે, કેટલાક લોકો વિચારતા હશે કે શિવસેના તૂટયા પછી અને રાજકીય પડકારો બાદ હિંમત હારી ગયો છું પણ એવું થવાનું નથી. કોઈપણ સંજોગોમાં હાર માનવામાં નહીં આવે.

------------------

હવે શરદ પવારનાં પક્ષમાં ભંગાણ? પાંચ સાંસદો બગાવતની તૈયારીમાં !

નવી દિલ્હી, તા.19: શિવસેના(ઉદ્ધવ)ની જેમ હવે મહારાષ્ટ્રનાં વધુ એક પક્ષ એનસીપી (શરદ પવાર)માં પણ બગાવતની આગ ભડકવાનાં અણસાર મળી રહ્યાં છે.

એનસીપી (એસપી)નાં નેતાઓ રાજ્યનાં ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવારનાં સંપર્કમાં છે. હજી સુધી કોઈ નેતા તરફથી આનો જાહેરમાં દાવો કરવામાં નથી આવ્યો પણ પક્ષનાં પાંચ સાંસદો તૂટવાની અણીએ હોવાનું કહેવામાં આવે છે.

શરદ પવારનાં એનસીપીનાં કેટલાક સાંસદો એનસીપીનાં સંપર્કમાં હોવાનું મીડિયાનાં અહેવાલોમાં કહેવામાં આવે છે. જો કે આ નેતાઓ કોણ છે તે વિશે પણ હજી કોઈ સ્પષ્ટ ચિત્ર સપાટી ઉપર આવ્યું નથી. એનસીપી નેતા ધર્મરાવ બાબા આત્મારામે કહ્યું હતું કે, તેમનો પક્ષ મજબૂત બની રહ્યો છે. પૂર્વ સાંસદો અને વિધાયકો અમારી સાથે જોડાઈ રહ્યાં છે અને હજી વધુ કેટલાક સામેલ થઈ શકે છે.

બીજીબાજુ શરદ પવાર આ ચર્ચા અને અટકળોથી ચિંતિત છે અને પોતાના સાંસદો સાથે ટૂંકસમયમાં જ કોઈ બેઠક યોજે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. તેઓ પક્ષમાં વધુ કોઈ ભંગાણને નિવારવા માટેનાં પ્રયાસોમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક