રાણપુર, તા.18:રાણપુર તાલુકાના નાગનેશ ગામે રહેતી એક યુવતીનું શંકાસ્પદ મૃત્યુ નીપજ્યું છે. મૃતક યુવતી તુલસીબેન ગોપાલભાઈ ભોજવીયા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી
માહિતી મુજબ તુલસીબેનના લગ્ન ચાર વર્ષ અગાઉ ધોળકા તાલુકાના ઉતળિયા ગામ ખાતે કરવામાં
આવ્યા હતા. ત્યારબાદ આશરે છ મહિના અગાઉ પોતાની નાની બહેનના દિયર અને નાગનેશ ગામના રહેવાસી
જીવરાજભાઈ રવજીભાઈ કાવઠિયા સાથે મૈત્રી કરાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર
યુવતીએ પોતાના મોબાઇલમાં એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાના જીવને જોખમ હોવાનું
જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં કેટલાક વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરી પોતાની
સાથે કોઈ અઘટિત ઘટના બને તો તેના માટે તેઓ જવાબદાર રહેશે તેવી વાત પણ કરવામાં આવી હોવાનું
જાણવા મળે છે.ઘટનાની જાણ થતાં યુવતીને સારવાર અર્થે રાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં
આવી હતી. જોકે તબીબોએ તેને મૃત જાહેર કરી હોવાનું જાણવા મળે છે.પોલીસ સૂત્રો પાસેથી
મળતી માહિતી મુજબ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં
આવી છે. યુવતીનું મૃત્યુ આત્મહત્યા છે કે પછી કોઈ અન્ય કારણસર થયું છે તે અંગે હાલ
સ્પષ્ટતા થઈ નથી. સમગ્ર મામલે રાણપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ
રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.