• શનિવાર, 20 જૂન, 2026

આજે નીટ-યુજી પરીક્ષા પૂર્વે દેશભરમાં ‘મોક ટેસ્ટ’ પરીક્ષા લીકપ્રૂફ કરવા સરકાર એલર્ટ : CRPF તૈનાત

નવી દિલ્હી, તા. 19 : 21 જૂને યોજાનારી નીટ-યુજી 2026 પુન: પરીક્ષાની સલામતી અને સુગમતાપૂર્વક સંચાલન સુનિશ્ચિત કરવા માટે દેશભરમાં મોટાપાયે મોકડ્રીલ યોજાશે. અહેવાલો અનુસાર, આ કવાયત શનિવારે હાથ ધરવામાં આવશે, જેમાં સુરક્ષા વ્યવસ્થા, પરીક્ષા કેન્દ્રોની તૈયારી અને દેખરેખ પદ્ધતિઓનું પરીક્ષણ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, મોક ડ્રીલ સવારે 9 વાગ્યે શરૂ થશે અને મોડી સાંજ સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન, પરીક્ષાના દિવસે કોઈ સંભવિત સુરક્ષા ખામીઓ કે વિક્ષેપો ન થાય તેની ખાતરી કરવા માટે દેશભરના પરીક્ષા કેન્દ્રો અને સંબંધિત એજન્સીઓ વચ્ચે સંકલનની સમીક્ષા કરવામાં આવશે.

નીટ-યુજીની રવિવારે ફરી લેવાનારી પરીક્ષા પહેલાં સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એલર્ટ છે. દરમ્યાન, એનટીએ દ્વારા છાત્રો માટે શુક્રવારે એક એડવાઈઝરી જારી કરાઈ હતી. નીટનાં પેપર ક્યાં છૂપાવીને રખાયાં છે, તેની કોઈને ખબર નથી. દેશભરમાં જ્યાં પણ પેપર્સ રખાયા છે ત્યાં સેના સુરક્ષા કરી રહી છે. નીટ - યુજી પરીક્ષાના પ્રશ્નપત્રોને કોઈ સામાન્ય કુરિયર કે સરકારી વાહનો નહીં, પરંતુ ભારતીય વાયુદળનાં વિશેષ વિમાનોમાં જ લઈ જવાની વ્યવસ્થા ગોઠવાઈ છે.

સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અને પરીક્ષા કેન્દ્ર સુધી પેપર સુરક્ષિત પહોંચાડવાની પૂરી જવાબદારી કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)ને સોંપાઈ છે.

સીઆરપીએફના જવાનો જ કડક સુરક્ષા સાથે પ્રશ્નપત્રો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે, તેવી સજ્જડ વ્યવસ્થા કરાઈ છે.

ઈન્દોરમાં ત્રીજા માળેથી પડતાં નીટની છાત્રાનું મૃત્યુ

નીટની પુન:પરીક્ષા 21મી જૂને લેવાનારી છે તે પહેલાં ઈન્દોરમાં નીટની તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થિનીનું ગઈ કાલે મોડી રાત્રે ત્રીજા માળથી નીચે પડતાં મોત થયું હતું. છાત્રાના નીચે પડવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસ અનુસાર અવંતિકા મૌર્ય ધાકડ કોલોનીની એક ઈમારતના પહેલા માળ પર મોટી બહેન ડો.સપના મૌર્યની સાથે રહેતી હતી.

1600 છાત્રની અરજી તત્કાળ સાંભળવા સુપ્રીમનો ઈનકાર

નીટની પુન:પરીક્ષા મામલે સુપ્રીમ કોર્ટે 1600 છાત્રની એક અરજીની અલગથી સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. આ અરજીમાં છાત્રોનું કહેવું હતું કે, તેઓ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકતા નથી અને વેબસાઈટ પણ બરાબર કામ કરતી નથી. આ અરજી ઉપર સુનાવણી કરવાનો ઈનકાર કરતાં સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું હતું કે, હવે આવી બધી બાબતો માટે ન્યાયિક મંચનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે આગળ કહ્યું હતું કે, નીટ સંબંધિત અરજીઓની સુનાવણી એક અલગ પીઠ કરી રહી છે અને તે આનાં ઉપર પણ સુનાવણી કરશે. આમાં કોઈ ઉતાવળ કરવાની આવશ્યકતા નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક