• મંગળવાર, 16 જૂન, 2026

ભાવનગર : બાપા સીતારામ ક્રેડિટ સોસાયટીના સંચાલકને મુંબઈથી ઝડપી લેવાયો

રૂ.3.69 કરોડની છેતરાપિંડી બાદ કેનેડા ભાગવાની પેરવીમાં હતો

ભાવનગર, તા.15 : ભાવનગરની બાપા સીતારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં કરોડોનું કૌભાંડ આચરીને ફરાર થઈ ગયેલા સોસાયટીના મેનાજિંગ ડિરેક્ટર નરેશ શાહને ભાવનગર એલ.સી.બી. પોલીસે મુંબઈથી ઝડપી પાડયો હતો. ઝડપાયેલો આરોપી દેશ છોડીને કેનેડા ભાગી જવાની ફિરાકમાં હોવાનો પણ પર્દાફાશ થયો છે.

બનાવની વિગત એવી છે કે ગત તારીખ 11 મેના રોજ સોસાયટીના રોકાણકારો અને એજન્ટોએ ભેગા મળીને સોસાયટીના સંચાલકો સામે કરોડોની છેતરાપિંડીનો આક્ષેપ કરતી રજૂઆત કરી હતી. એક માસ અગાઉ થયેલી આ રજૂઆત અને ગ્રાહકોની સત્તાવાર ફરિયાદના આધારે ભાવનગર એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ સોસાયટીએ વિવિધ બચત અને રોકાણ યોજનાઓના નામે ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો પાસેથી કરોડોનું રોકાણ મેળવ્યું હતું. જોકે, પાકતી મુદતે રોકાણકારોને પોતાના નાણાં પરત ન મળતાં તેઓમાં ભારે રોષ ફેલાયો હતો. પોલીસ તપાસ અને રોકાણકારોના નિવેદનો દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સોસાયટીના તત્કાલીન ચેરમેન અનિલભાઈ વિનોદરાય પંડયાનું ગત માર્ચ મહિનામાં અવસાન થઈ ચૂક્યું છે જ્યારે મેનાજિંગ ડિરેક્ટર નરેશ શાહ કૌભાંડ આચરીને પરિવાર સાથે ભાવનગર છોડીને નાસી ગયો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે તે દેશ છોડીને કેનેડા જવાની પેરવીમાં છે. જો કે, તે પહેલાં જ પોલીસે તેને મુંબઈમાં ભાડાના મકાનમાં રહેતો હોવાની ભાળ મેળવી ત્યાંથી ઝડપી લીધો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક