ઉખરલા નજીક વાડીમાંથી 9672 બોટલ અને નવાણીયા ગામેથી 1878 બોટલ કબજે કરાઈ
ભાવનગર, તા.13: ભાવનગર લોકલ ક્રાઇમ
બ્રાન્ચ દ્વારા ઉખરલા ગામ નજીક આવેલી એક વાડીમાં
દરોડો પાડી પોલીસે વિદેશી દારૂની 9,672 બોટલો
સહિત કુલ રૂ.18,36,756નો મુદ્દામાલ તેમજ વલ્લભીપુર પોલીસે નવાણીયા ગામે મકાનમાં દરોડો
પાડીને કુલ રૂ.2,86,716ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ભાવનગર એલસીબીની ટીમને બાતમી
મળી હતી કે, ઉખરલા ગામના રામદેવાસિંહ વજુભા ગોહિલે ઉખરલા સબ સ્ટેશન સામે આવેલી પોતાની
વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે એલસીબીની
ટીમે સ્થળ પર દરોડો પાડી ઓરડીમાંથી રૂ.18,36,756ની કિંમતનો વિવિધ બ્રાન્ડની કુલ
9,672 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે આરોપી રામદેવાસિંહ વજુભા ગોહિલ વિરુદ્ધ
વરતેજ પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપી ફરાર હોવાથી
તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
જ્યારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એ.કે. ગઢવી
તથા સ્ટાફે નવાણીયા ગામે મકાન પર દરોડો પાડ્યો હતો. એ.એસ.આઈ. એચ.એચ. દવે તથા
હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયાસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. દરમિયાન
હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયાસિંહ ગોહિલને બાતમી મળી હતી કે, નવાણીયા ગામે રહેતા સુનીલ
નિતેશભાઇ વલાણીયા, પચ્છેગામના વિરેન્દ્રાસિંહ ઉર્ફે ભોલો વનરાજાસિંહ ગોહિલ તથા કંથારીયાના
નરેશ ઉર્ફે નરો બાબુભાઇ દલસાણીયાએ સંયુક્ત રીતે સુનીલ વલાણીયાના નવાણીયા ગામ સ્થિત
મકાનના ફળિયામાં દારૂનો જથ્થો છુપાવ્યો છે.
બાતમીના આધારે વલ્લભીપુર પોલીસની
ટીમે દરોડો પાડતા મકાનના ફળિયામાં બનાવેલા ફરજામાં કડબના પુળાની નીચે સંતાડી રાખેલો
રૂ.2.86 લાખની કિંમતની કુલ 1,878 નંગ બોટલ કબ્જે કરી હતી. રેઇડ દરમિયાન ત્રણેય આરોપીઓ
પોલીસને ઘટનાસ્થળે મળી આવ્યા નહતા. પોલીસે ત્રણેય બુટલેગર સામે અલગ-અલગ કલમો હેઠળ ગુનો
નોંધી ફરાર જાહેર કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.