(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.12: ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધણપ ગામે ક્રૂર હત્યાની ઘટના
સામે આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવેલા એક પ્રેમી યુગલનો કરુણ અંજામ આવ્યો
છે. ધણપ ગામની એક હોટેલના રૂમમાં પ્રેમીએ મોડી રાત્રે જ પોતાની પ્રેમિકાનું માથું ખોળામાં
મૂકીને તીક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપીને ઘાતકી હત્યા કરી નાંખી છે. પ્રેમિકાને મૃત્યુના
ઘાટ ઉતાર્યા બાદ પ્રેમી યુવકે પણ પોતે ગળે છરી હુલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો
હતો. પ્રેમીની હાલત અત્યંત ગંભીર હોય તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં
આવ્યો છે. ચિલોડા પોલીસે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
ઘટનાની
પ્રાપ્ત વિગતો મુજબ, મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના પીપરસમા ગામથી પ્રેમી યુગલ સંતોષ
ઉધમ જાટવ અને રજની વ્રજલાલ ધાકડ ભાગીને ગુજરાત આવ્યું હતું. આ બાબતે એમપી પોલીસમાં
ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. એમપી પોલીસ સાથે પરિવાર પણ ગુજરાત આવ્યો હતો. 10 તારીખે
નીકળ્યા બાદ 11મીએ તેઓ રાજકોટના શાપર ખાતે પહોંચ્યા હતા જ્યાં પ્રેમી યુગલ મળી આવ્યું
હતું. પિતરાઈ ભાઈઓ અને પોલીસ પ્રેમી યુગલને પરત એમપી લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન સતત
ડ્રાઈવિંગથી થાક લાગતા રાત્રિ રોકાણ માટે તેઓએ ગાંધીનગરના ધણપ ગામની હોટેલમાં રોકાયા
હતા.
પ્રેમી
યુગલ પકડાઈ જતા તેમને મનમાં સતત એકબીજાથી અલગ થઈ જવાનો અને સાથે નહીં રહી શકવાનો ડર
સતાવી રહ્યો હતો. આ જ ડરના કારણે મોડી રાત્રે જ્યારે બધા હોટેલના રૂમમાં ઊંઘી રહ્યા
હતા, ત્યારે પ્રેમી સંતોષે પ્રેમિકા રજનીની હત્યા કરી નાખી અને બાદમાં પોતાની જાતને
પણ ખતમ કરવાનો પ્રયાસ કર્યો. જો કે પોલીસ તથા પરિવારના સભ્યો જાગી જતા તેમણે સંતોષના
શ્વાસ ચાલી રહ્યા હોય તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને તેને સૌપ્રથમ ગાંધીનગર સિવિલ
અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાયો હતો જ્યાં તેની સ્થિતિ ગંભીર જણાઈ છે.
રજીનીની લાશનું ચિલોડા પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.