• બુધવાર, 10 જૂન, 2026

ભાવનગરમાં ભાઈની હત્યાનો બદલો લેવા અકસ્માત સર્જયો વધુ એક યુવાનનું મૃત્યુ, ડબલ મર્ડરમાં કેસ ફેરવાયો

ભાવનગર, તા.9 : ભાવનગર જિલ્લાના અવાણિયા ગામની સીમમાં 10 દિવસ પહેલાં ભાઈની હત્યાનો બદલો લેવા માટે એક્ટિવા સવાર ત્રણ યુવાન પર જાણી જોઈને કાર ચડાવી દેવાની ચકચારી ઘટના બની હતી. ગત જુલાઈ-2025માં ભૂતેશ્વર ગામના પીયૂષ કંટારિયાની હત્યા થઈ હતી, જેનો બદલો લેવા પીયૂષના ભાઈ હસમુખ ઉર્ફે શીશાએ આ ઘાતક કાવતરું ઘડયું હતું. હાર્દિક, શાંતિભાઈ અને રોનક કંટારિયા એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે હસમુખે ઇકો કારથી જોરદાર ટક્કર મારી તેમને 100 ફૂટ સુધી ઢસડયા હતા. આ ગમખ્વાર હુમલામાં શાંતિભાઈ કંટારિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય યુવાન રોનક ગાંડાભાઈ કંટારિયાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર બાદ રોનકે પણ આજે દમ તોડી દેતા કંટારિયા પરિવારમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.

એક જ ઘટનામાં બે વ્યક્તિનાં મૃત્યુ થતાં આ સમગ્ર મામલો હવે સનસનાટીભરી બેવડી હત્યા (ડબલ મર્ડર)ના કેસમાં પરિણમ્યો છે. અગાઉ ઈજાગ્રસ્ત હાર્દિકની ફરિયાદના આધારે ઘોઘા પોલીસે આરોપી હસમુખ ઉર્ફે શીશા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હવે હોસ્પિટલમાં બીજા યુવાનનું મોત થતાં પોલીસે કેસમાં વધુ કલમોનો ઉમેરો કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક