• શુક્રવાર, 05 જૂન, 2026

ચોટીલા ડુંગર પાછળ દુધેલી ગામની સરકારી જમીનમાંથી ગેરકાયદે મોરમ ખનન ઝડપાયું

હિટાચી-ડમ્પર સહિત રૂ.90.10 લાખનો મુદ્દામાલ જપ્ત, લેન્ડ ગ્રાબિંગ અને તડીપારની કાર્યવાહીનો તખ્તો તૈયાર

ચોટીલા,તા.4 : પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળ આવેલા દુધેલી ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનીજ ખનન કરતા તત્વો સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટીમે દુધેલી ગામે સરપ્રાઈઝ ચાકિંગ દરમિયાન સરકારી સર્વે નં.242ની જમીનમાંથી તાસ (મોરમ)નું ગેરકાયદે ખનન અને પરિવહન ઝડપી પાડયું હતું. સ્થળ પરથી એક હિટાચી મશીન તથા 20 મેટ્રિક ટન મોરમ ભરેલો એક ડમ્પર જપ્ત કર્યુ હતું. કુલ રૂ.90.10 લાખનો મુદ્દામાલ કબજે કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં ચોટીલાના અલ્પેશ ભગવાનભાઈ સાંમડ અને ગાવિંદ બી. સાંમડની સંડોવણી સામે આવી છે. બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વહીવટી સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી જમીનને નુકસાન પહોંચાડનારા તત્વો સામે લેન્ડ ગ્રાબિંગ એક્ટ હેઠળ વધુ કાર્યવાહી તથા તડીપાર સુધીના પગલાં પણ વિચારાધીન છે. ઉપરાંત ખોદકામથી પડેલા ખાડાઓની માપણી કરી વધારાનો દંડ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક