30 જૂન સુધીમાં પુરા દેશમાં ફેલાશે નૈઋઍત્યનું ચોમાસું : કેરળમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી
છેલ્લા
13 વર્ષમાં સાતમીવાર ચોમાસું મોડું પડયું;
24 રાજ્યોમાં તોફાન, વરસાદનું એલર્ટ જારી
નવી
દિલ્હી, તા. 4 : લાંબી રાહત બાદ અંતે ભારતમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું
છે. આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે
નૈઋઍત્યનું ચોમાસું કેરળ પહોંચી ગયું છે. દક્ષિણ ભારતીય રાજ્યમાં છેલ્લા અમુક સમયથી
વરસાદ પડી રહ્યો હતો પણ ચોમાસું બેસી ગયું હોવાની સત્તાવાર ઘોષણા હવે કરવામાં આવી છે. કેરળમાં ચોમાસાની એન્ટ્રીની સામાન્ય તારીખ પહેલી
જૂન છે, તેવામાં આ વખતે ચોમાસું ચાર દિવસ મોડું પડયું છે.
આગામી
બેથી ત્રણ દિવસમાં ચોમાસું આખા ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ,
બંગાળની ખાડીના કેટલાક ભાગો ઉપરાંત ઉત્તર-પૂર્વનાં રાજ્યો સુધી આગળ વધી શકે છે.
સામાન્ય
રીતે પહેલી જૂને જ કેરળમાં પહોંચી ગયા બાદ દોઢ મહિનામાં વરસાદી મોસમ આખા દેશને આવરી
લે છે.
ત્યારબાદ,
17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનના રસ્તે વાપસી કરે છે અને 15મી ઓકટોબર સુધીમાં વરસાદી
મોસમ પૂરી થઈ જાય છે.
છેલ્લા
13 વર્ષમાં આ વખતે સાતમીવાર એવું બન્યું છે કે, ચોમાસું મોડું પડયું છે. 1918માં ચોમાસું
સૌથી વહેલું 11મી મેના કેરળ પહોંચી ગયું હતું. બીજી તરફ 1972માં સૌથી મોડું છેક 18મી
જૂનના ચોમાસું કેરળ પહોંચ્યું હતું.
દેશના
મોસમ વિજ્ઞાન વિભાગે ગુરુવારે ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરાખંડ, દિલ્હી, હિમાચલ પ્રદેશ
અને તેલંગાણા સહિત 24 રાજ્યોમાં તોફાન, વરસાદ અને ગતિભેર પવન ફૂંકાવાની સંભાવના સાથે
એલર્ટ જારી કર્યું હતું.
હવામાન
વિભાગે શરૂઆતમાં સંભાવના વ્યક્ત કરી હતી કે 26 મે સુધીમાં ચોમાસું કેરળ પહોંચી શકે
છે. જો કે ત્યારે ચાર દિવસના વિલંબની પણ સંભાવના વ્યક્ત થઈ હતી. જેના હિસાબે માનવામાં
આવી રહ્યું હતું કે 30 મે સુધીમાં વરસાદ શરૂ થઈ શકે છે. તો પણ વધુ ચાર દિવસનો વિલંબ
થયો છે. આ દરમિયાન આઈએમડીએ કેરળના ઘણા જીલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
છે. જેમાં અલપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ જિલ્લા સામેલ છે. હવામાન વિભાગ અનુસાર
રાજ્યના અમુક હિસ્સામાં વિજળી ગરજવાની સાથે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તિરુવનંતપુરમ, કોલ્લમ, પત્તનથિઠ્ઠા, ઈડુક્કી
અને ત્રિશુર જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ભીષણ
ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર પશ્ચિમ રાજ્યો માટે ચોમાસાની એન્ટ્રી રાહતના અહેવાલ છે.
હવામાન વિભાગના મોડલ અનુસાર 30 જૂન સુધીમાં ચોમાસું પૂરા દેશને કવર કરે છે. જ્યારે
દિલ્હીમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 25થી 30 જૂન વચ્ચે હોય છે. ઉત્તર પ્રદેશમાં
ચોમાસાનો વરસાદ 15 જૂન આસપાસથી શરૂ થઈ શકે છે.
આ અગાઉ
હવામાન વિભાગે પોતાના સંશોધિત પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે, આ વખતે ચોમાસામાં વરસાદ
સામાન્ય કરતા ઓછો રહેશે. ભારતમાં સરેરાશના 90 ટકા વરસાદ રહેવાની સંભાવના છે. દેશભરમાં
વરસાદની સામાન્ય સરેરાશ 87 સેન્ટીમીટરની છે. જે 1971થી 2020ના આંકડા ઉપર આધારીત છે.
---------------
સામાન્યથી
10 ટકા ઓછો થયો વરસાદ
નવીદિલ્હી,તા.4:
નૈઋત્ય ચોમાસાએ ભારતમાં ત્રણ દિવસ મોડી એન્ટ્રી કરી છે. ચોમાસાનાં આગમનમાં આ વિલંબનાં
કારણે 28મી મેથી ત્રણ જૂન વચ્ચે થતાં સરેરાશ વરસાદમાં 10 ટકાની ઘટ જોવા મળી છે. જો
કે આવનારા દિવસોમાં સ્થિતિ બહેતર બનશે તેવું હવામાન વિભાગની આગાહી કહે છે.