કારચાલક અકસ્માત સર્જીને ફરાર, સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.29 : બનાસકાંઠા જિલ્લાના
ડીસા તાલુકામાં જૂના ડીસા - વાસણા રોડ પર એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.
બેફામ ગતિએ આવતા એક અજાણ્યા કાર ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને જોરદાર ટક્કર
મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું
જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી સાથે ફરાર થઈ ગયો હતો.
મૃતક વૃદ્ધની ઓળખ વાસણા સંતોષી
ગોળિયાના રહીશ ગીગાજી હેમાજી માળી (સુરદાસ) તરીકે થઈ છે. 75 વર્ષીય ગીગાજી જ્યારે જૂના
ડીસા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળમુખી કારે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માત
બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા પરંતુ ગંભીર ઈજાઓને કારણે વૃદ્ધે દમ તોડી દીધો હતો.
ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ
માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો છે અને કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી
ફૂટેજના આધારે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.