ગુવાહાટી, તા.29 : પાછલા એક દશક સુધી રાજસ્થાન રોયલ્સના કપ્તાન રહેલ સંજુ સેમસન હવે એ જ ટીમ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમતો જોવા મળશે જ્યારે સીએસકેનો પાછલો એક દશકનો મહત્ત્વનો ખેલાડી રવીન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. જૂના ખેલાડીઓની આ નવી ટક્કર આઇપીએલનો રોમાંચ વધારશે.
સંજુ
સેમસન દસ વર્ષથી વધુ સમય માટે રાજસ્થાન રોયલ્સનો કપ્તાન અને સ્ટાર બેટર બની રહ્યો હતો.
તેની કપ્તાનીમાં આરઆર ટીમ 2022ના ફાઇનલ સુધી પહોંચી હતી. જે રીતે સીએસકેમાં ધોની છે
એ રીતે આરઆરમાં સેમસનનું મહત્ત્વ બની ગયું હતું પરંતુ સીઝન અગાઉ અદલા બદલીમાં જાડેજા
રોયલ્સ તરફથી અને સેમસન સીએસકે તરફથી રમશે. સેમસન શાનદાર ફોર્મમાં છે. તેણે ટી-20 વિશ્વ
કપમાં ભારતની જીતમાં સૂત્રધારની ભૂમિકા ભજવી હતી.
સેમસન
હવે સીએસકેના કપ્તાન ઋતુરાજ ગાયકવાડ સાથે દાવની શરૂઆત કરશે. ધોની અનફિટ હોવાથી બે સપ્તાહ
મેદાન બહાર છે. આથી સેમસન મેદાન પર ટીમનો માર્ગદર્શક પણ બનશે. ધોનીનાં સ્થાને 20 વર્ષીય
ઓલરાઉન્ડર પ્રશાંત વીરને તક મળી શકે છે. આ ઉપરાંત 14.20 કરોડમાં ખરીદેલ કાર્તિક શર્મા
પર પણ નજર રહેશે. ડેવાલ્ડ બ્રેવિસ અને શિવમ દૂબે મીડલ ઓર્ડરમાં પાવર હિટિંગના માહિર
બેટર્સ છે. યુવા આયુષ મ્હાત્રે પણ સારો સ્ટ્રોક પ્લેયર છે.
બીજી
તરફ રાજસ્થાન રોયલ્સની ચિંતા તેની બોલિંગ લાઇન અપ છે. જો કે આ વખતે આમાં રવીન્દ્ર જાડેજાના
ઉમેરાથી તેમાં સુધાર જોવા મળી શકે છે. બેટિંગનો દરોમદાર યશસ્વી જયસ્વાલ, 1પ વર્ષીય
વૈભવ સૂર્યવંશી, નવા કપ્તાન રિયાન પરાગ અને શિમરોન હેટમાયર છે. તે વિશ્વ કપમાં શાનદાર
ફોર્મમાં હતો. જોફ્રા આર્ચરની આગેવાનીમાં રોયલ્સના ફાસ્ટ બોલર્સે લાઇન-લેન્થ પકડી રાખવી
પડશે. પાછલી સીઝનમાં સીએસકે અંતિમ અને આરઆર નવમા સ્થાને હતા.