• સોમવાર, 30 માર્ચ, 2026

ઈરાનમાં ભરાયા, ઘરમાં ઘેરાયા

ટ્રમ્પ વિરુધ્ધ અમેરિકામાં લાખો લોકો રસ્તા પર

રાષ્ટ્રપતિની નીતિઓના વિરોધમાં યુરોપ સહિત અનેક દેશોમાં પ્રદર્શન જારી : 90 લાખ લોકોનો દેખાવ

વોશિંગ્ટન, તા. 29 : એક તરફ, પશ્ચિમ એશિયામાં ઈરાન સામે યુદ્ધ ચાલુ છે, જેમાં હજારો લોકો માર્યા ગયા છે, અને બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે દેશની અંદર ગુસ્સો ફાટી નીકળ્યો છે, જેની અસર યુરોપ સુધી પહોંચી છે.

અમેરિકા અને યુરોપમાં ‘નો કિંગ્સ’ રેલીઓમાં લાખો લોકોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને ઈરાન યુદ્ધનો વિરોધ શરૂ કર્યો છે, જેમાં મિનેસોટા આ ચળવળનું કેન્દ્ર બન્યું છે. આશરે 90 લાખ લોકો અને અભિનેતા રોબર્ટ ડી નીરો, ગાયિકા જોન બેઝ, અભિનેત્રી જેન ફોન્ડા અને સેનેટર બર્ની સેન્ડર્સ સહિત અનેક સેલિબ્રિટીઓ આ પ્રદર્શનમાં જોડાયા છે. જો કે, વ્હાઇટ હાઉસે આ વિરોધ પ્રદર્શનોને ડાબેરી નેટવર્ક તરીકે લેખાવે છે. કેટલાક સ્થળે તો લોકોએ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ વિરુદ્ધ પોસ્ટર દેખાડવા સાથે બંનેને પદ પરથી હટાવવાની માંગ પણ કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને આ રેલીઓને ‘ડાબેરી-પંથી ભંડોળ ઊભું કરવાની રમત’ ગણાવી હતી. રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીએ તેમને ‘હેટ અમેરિકા રેલીઝ’ તરીકે ઓળખાવી હતી.

એક મીડિયા હેવાલ મુજબ, શનિવારે અમેરિકાના તમામ 50 રાજ્યમાં ‘નો કિંગ્સ’ના નારા હેઠળ 3300થી વધુ સ્થળે હજારો રેલીઓ નીકળી હતી, જેમાં લાખો લોકો જોડાયા હતા. યુરોપ, લેટિન અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. લંડનમાં, લોકોએ ‘દક્ષિણપંથને રોકોઅને ‘સ્ટેન્ડ અપ અગેઇન્સ્ટ રેસીઝમલખેલા બેનરો સાથે કૂચ કરી. હતી, તો પેરિસમાં, ફ્રાન્સમાં રહેતા અમેરિકનો, મજૂર સંગઠનો અને માનવાધિકાર સંગઠનો પણ જોડાયા હતા.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, ટ્રમ્પ સરકારની ઘણી નીતિઓથી તેઓ નારાજ છે, જેમાં ઈરાન સાથે વધતો તણાવ, ઈમિગ્રેશન માટેની સખત કાર્યવાહી અને વધતી મોંઘવારીને માટે ટ્રમ્પની નીતિ જવાબદાર હોવાનું કહી રહ્યા છે.

===========

વાટાઘાટની આડમાં અમેરિકા ફરી હુમલાની ફિરાકમાં : ઈરાન

નવીદિલ્હી,તા.29: શાંતિ વાટાઘાટની આડમાં અમેરિકા ફરી એકવાર દગો કરે તેવી ઈરાનને શંકા છે. ઈરાનની સંસદનાં સ્પીકર મોહમ્મદ બઘેર ગાલીબાફે આરોપ લગાવતા કહ્યું છે કે, જાહેરમાં વાટાઘાટોનાં રાગ આલાપીને અમેરિકા ગુપચુપ રીતે ઈરાનમાં જમીની હુમલાની તૈયારી કરી રહ્યું છે. ઈરાનમાં અમેરિકી સેનાનાં જમીની હુમલાની આશંકાને પ્રબળ બનાવે તેવા ઘટનાક્રમમાં યુએસએસ ટ્રિપોલી નામક જહાજ મધ્યપૂર્વ ક્ષેત્રમાં પહોંચ્યું છે અને તેમાં 3પ00 જેટલા સૈનિકો હોવાનાં અહેવાલ મળી રહ્યાં છે. આ યુદ્ધ જહાજમાં યુદ્ધવિમાન, હેલિકોપ્ટર સહિત સમુદ્રી હુમલાનાં સાધન-સરંજામો પણ હોવાનું કહેવાય છે.

બીજીબાજુ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધને નરમ પાડવાનાં પ્રયાસમાં પાકિસ્તાન, તુર્કી, ઈજિપ્ત અને સાઉદી અરેબિયાનાં વિદેશમંત્રીઓ આજે ઈસ્લામાબાદમાં મળ્યા હતાં અને ત્યાં મધ્યસ્થતાની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દરમિયાન ઈરાનની રાજધાની તહેરાનમાં પ્રચંડ હુમલામાં અનેક લોકો મૃત્યુ પામ્યા બાદ ઈરાને હવે મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈઝરાયલની યુનિવર્સિટીઓને નિશાન બનાવીને હુમલા કરવાની ધમકી આપી છે. તો યમનનાં વિદ્રોહી હુથીઓએ ઈઝરાયલ ઉપર મિસાઈલ અને ડ્રોનથી બીજીવાર હુમલો બોલાવ્યો હતો. હુથીએ ઈઝરાયલ ઉપર આ હુમલા જારી રાખવાની ચેતવણી પણ આપી હતી.

આખી દુનિયામાં આર્થિક અનિશ્ચિતતા સર્જી દેતાં યુદ્ધ છેડયા બાદ પણ અમેરિકાનાં રાષ્ટ્રપતિને હજીય દુનિયા તેમને શાંતિદૂત તરીકે યાદ રાખે તેવાં સપના આવી રહ્યાં છે. ટ્રમ્પે આજે ફરી એકવાર આવો જ હાસ્યાસ્પદ દાવો કરતાં કહ્યું હતું કે, તેઓ પોતાની વિરાસત મોટા શાંતિદૂતનાં રૂપમાં છોડવા માગે છે અને ગયા વર્ષે તેમણે આઠ યુદ્ધ-સૈન્ય ટકરાવ રોકાવ્યા હતાં. આમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણનો પણ સમાવેશ થાય છે તેવું તેમણે ફરી એકવાર દોહરાવ્યું હતું. જેને ભારતે વારંવાર નકારી કાઢેલું છે. સાઉદી સમર્થિત ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ પ્રાયોરિટી સમિટમાં તેમણે કહ્યું હતું કે, ટેરિફની ચેતવણી આપીને તેમણે ભારત અને પાક. વચ્ચે સૈન્ય ટકરાવ અટકાવી દીધો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનારા વૃદ્ધને 181 ટીમે કાયદાનું ભાન કરાવ્યું March 30, Mon, 2026