• મંગળવાર, 31 માર્ચ, 2026

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકનાં મૃત્યુ શાળાએથી છુટયા બાદ બન્ને મિત્રો નાહવા પડયા હતા

(ફૂલછાબ ન્યૂઝ)

પોરબંદર, તા. ર8: પોરબંદર જિલ્લાના રાણા રોજીવાડા ગામમાં શાળાએથી છૂટીને ઘરે પરત ફરી રહેલા બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યા છે.

રાણા રોજીવાડા ગામે રહેતા બે મિત્રો નિખિલ હાજાભાઈ ટોરીયા (ઉંમર 11 વર્ષ) અને સુમિત જગદીશભાઈ સોલંકી (ઉંમર 12 વર્ષ) આજે બપોરે શાળાએથી છૂટયા બાદ ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં આવતા નેસડા તળાવ પાસે પહોંચતા બંને બાળકોને નાહવાનો વિચાર આવ્યો હતો. ઉનાળાની શરૂઆત અને બપોરનો સમય હોવાથી બંને બાળકો તળાવના પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા. પાણીના ઉંડાણનો અંદાજ ન આવતા બંને બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો ડૂબતા હોવાની જાણ આસપાસના લોકોને થતા જ તેઓ બચાવવા માટે દોડી આવ્યા હતા, પરંતુ બચાવી શકાયા નહોતા.  આઘાતજનક બાબત એ છે કે, 12 વર્ષીય સુમિત સોલંકી તેના પરિવારમાં પાંચ બહેનો વચ્ચેનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. એકાએક ભાઈનું મૃત્યુ થતા બહેનો અને માતા-િપતા પર જાણે આભ તૂટી પડયું છે. આખા પરિવારે પોતાનો કુલદીપક ગુમાવતા ગામલોકોની આંખ ભીની થઈ ગઈ હતી.

બાળકોના મૃતદેહોને ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારજનો ઉમટી પડયા હતા, અને કરુણ દૃશ્યો સર્જાયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક