• શનિવાર, 21 માર્ચ, 2026

નકલી નોટ કેસમાં યોગગુરુ પ્રદીપ જોટંગિયા સહિત 7 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર

અમરાઈવાડીમાં SUV કારમાંથી રૂ. 2.10 કરોડની નકલી નોટો ઝડપાઈ હતી : આરોપીઓ ચીનથી પેપર મંગાવી AIની મદદથી નોટો છાપતા હતા

અમદાવાદ,તા.20 : ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા નકલી નોટના કેસમાં ઝડપાયેલા કથિત યોગગુરુ પ્રદીપ જોટંગિયા અને સુરતની મહિલા સહિત સાત આરોપીઓને મેટ્રો કોર્ટે 30 માર્ચ સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

ગુરુવારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી ’સત્યમ યોગ ફાઉન્ડેશન’ અને ’આયુષ મંત્રાલય’ના લખાણવાળી એક શંકાસ્પદ જઞટ કારમાંથી રૂ. 2.10 કરોડની નકલી નોટો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી મૂળ રાજકોટના અને હાલ સુરતમાં આશ્રમ ધરાવતા અષ્ટાંગ યોગગુરુ પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા સહિત મુકેશ ઠુમ્મર (મુખ્ય આરોપી), અશોક માવાણી, રમેશ બલર, દિવ્યેશ રાણા, ભરત કાકડિયા અને આરતી નામની મહિલાની ધરપકડ કરી હતી.તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આરોપીઓ નકલી નોટો છાપવા માટે ચીનથી ખાસ સિક્યુરિટી ફીચર્સ ધરાવતો કાગળ મંગાવતા હતા. આ ઉપરાંત, તેઓ AI ટૂલ ચેટ જીપીટી મારફતે કોડ બનાવીને રૂ. 500ના દરની આબેહુબ નોટો તૈયાર કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, કલર પ્રિન્ટર અને પેપર કટર સહિતનો સામાન જપ્ત કર્યો છે. સરકારી વકીલ વાય.કે. વ્યાસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે મુખ્ય આરોપી મુકેશ ઠુમ્મરના ઘરેથી રૂ. 500ના દરની 15,600 નકલી નોટો મળી છે. હજુ પણ ’સત્યમ યોગ ફાઉન્ડેશન’ અને આરોપીઓના નિવાસસ્થાને વધુ નોટો છુપાવી હોવાની શંકા છે. આ રેકેટના તાર અન્ય ક્યાં જોડાયેલા છે અને અત્યાર સુધી કેટલી નોટો બજારમાં વહેતી કરવામાં આવી છે, તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચ ઊંડી તપાસ કરશે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક