• શનિવાર, 21 માર્ચ, 2026

કાયરો, તમને જોઈ લઈશ : ટ્રમ્પની નાટો દેશોને ધમકી ખર્ગ દ્વીપ ઉપર કબજો કરીને ઈરાનનું નાક દબાવશે ટ્રમ્પ?

અમેરિકાની 2500 મરીન સૈનિકો મોકલીને મોટી કાર્યવાહીની તૈયારીમાં

નવી દિલ્હી, તા.20: મધ્યપૂર્વમાં વધતા તનાવમાં અમેરિકા હવે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ઈરાન ઉપર દબાણ વધારવા માટે હવે ખર્ગ ટાપુ ઉપર કબજો કરી લેવા અથવા તો ત્યાં સમુદ્રી નાકાબંધી કરી નાખવાની રણનીતિ ઉપર વિચારી રહી છે. આનાં માટે આશરે 2પ00 જેટલા મરીન સૈનિકોની ટુકડીને પણ ત્યાં પહોંચવાની છે. બીજીબાજુ અમેરિકાનાં નજીકનાં સહયોગી દેશો હવે મોં ફેરવવા માંડયા છે.

સ્વિત્ઝર્લેન્ડે સ્પષ્ટ કરી દીધું છે કે, જો અમેરિકા દ્વારા ઈરાનમાં હુમલા ચાલુ રહેશે તો અમેરિકાને હથિયાર નિકાસ માટે કંપનીઓને લાયસન્સ નહીં આપવામાં આવે. દરમિયાન હોર્મુઝ ખોલાવવા માટે નાટોનાં સદસ્ય દેશો તરફથી જ ટ્રમ્પને ઠેંગ દેખાડી દેવામાં આવતાં ભડકેલા ટ્રમ્પે પોતાનાં સાથી દેશોને જ કાયર ગણાવી નાખ્યા છે અને કહ્યું હતું કે, કાયરો તમને બધાને યાદ રાખવામાં આવશે.

ખર્ગ દ્વીપ ઈરાનનાં તટથી આશરે 1પ માઈલ દૂર છે. ત્યાંથી જ ઈરાનનું 90 ટકા ક્રૂડ ઓઈલ નિકાસ થાય છે. અમેરિકાનું માનવું છે કે, જો આ ટાપુ ઉપર નિયંત્રણ મેળવી લેવામાં આવે તો ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે મજબૂર કરી શકાય. અહેવાલો અનુસાર ટ્રમ્પ ઈરાન વિરોધી કાર્યવાહી માટે તમામ વિકલ્પો ખુલ્લા રાખવા માગે છે. જરૂર પડયે જમીની હુમલો કરવામાં આવી શકે છે. જો કે નિષ્ણાતો આવી યોજનાને ખતરનાક અને જોખમી ગણાવી રહ્યાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક