• શનિવાર, 21 માર્ચ, 2026

IPL અગાઉ મોટાભાગની ટીમો ખેલાડીઓની ઇજાથી ચિંતિત

રાજસ્થાન રોયલ્સને ફટકો : સેમ કરન આઉટ

લોકી ફરગ્યૂસન પંજાબ કિંગ્સ સાથે બાદમાં જોડાશે

નાથન એલિસ બહાર : CSKની ચિંતા વધી

ઓસિ. અનકેપ્ડ બોલર જેક એડવર્ડનું રમવું સંદિગ્ધ

નવી દિલ્હી, તા.20: આઇપીએલ-2026 સીઝન શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 28 માર્ચથી શરૂ થઇ રહેલ આઇપીએલની 19મી સીઝન અગાઉ મોટાભાગની ટીમો ખેલાડીઓના ઇજાની સમસ્યાનો સમાનો કરી રહી છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા અરધો ડઝન વિદેશી ખેલાડીઓ ઇજા અને ફિટનેસ સમસ્યાને લીધે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા છે જ્યારે પેટ કમિન્સ અને જોશ હેઝલવૂડનું આઇપીએલમાં હિસ્સો બનવું નિશ્ચિત નથી. બન્ને કદાચ સેકન્ડ હાફથી તેમની ટીમ એસઆરએચ અને આરસીબીને સેવા આપી શકે છે. લંકાનો જૂનિયર મલિંગા કહેવાતો પથિરાના પણ ઇજાને લીધે કેકેઆર ટીમ સાથે આખરી તબક્કામાં જોડાશે તેવા રિપોર્ટ છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમને મોટો ફટકો પડયો છે. ઇંગ્લેન્ડનો અનુભવી ઓલરાઉન્ડર સેમ કરન ગ્રોઇન ઇન્જરીને લીધે પૂરી સીઝન માટે બહાર થઇ ગયો છે.

કિવિઝ ફાસ્ટ બોલર લોકી ફરગ્યૂસન પણ આઇપીએલના પ્રારંભે પંજાબ ટીમ તરફથી રમવાનો નથી. સીએસકે ટીમને ફટકો પડયો છે. ઓસ્ટ્રેલિયન બોલર નાથન એલિસ આઇપીએલ સીઝનની બહાર થઇ ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદમાં સામેલ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેક એડવર્ડ પણ ઇજાને લીધે આઇપીએલનો હિસ્સો બનશે કે નહીં તે નિશ્ચિત નથી.

ઇંગ્લેન્ડની ટી-20 વર્લ્ડ કપ ટીમનો ખેલાડી સેમ કરન સીએસકેમાંથી આ વખતે રાજસ્થાન રોયલ્સમાં સામેલ થયો હતો. સંજૂ સેમસનના બદલામાં સીએસકેએ રવીન્દ્ર જાડેજા અને સેમ કરન રાજસ્થાનને આપ્યા હતા. તે ગ્રોઇન ઇન્જરીને લીધે આઇપીએલનો હિસ્સો બની શકશે નહીં. રાજસ્થાન રોયલ્સના આ ખેલાડીના વિકલ્પની શોધમાં છે. તે પાછલી સીઝનમાં 2.4 કરોડના કરાર સાથે સીએસકે તરફથી રમ્યો હતો અને પ મેચમાં ફક્ત 1 વિકેટ લીધી હતી અને 114 રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડનો ઝડપી બોલર લોકી ફરગ્યૂસન શરૂઆતમાં પંજાબ કિંગ્સ ટીમ સાથે જોડાશે નહીં. તે હાલમાં જ પિતા બન્યો છે અને છૂટ્ટી લેવાનો છે. તેનું કહેવું છે કે ફિટનેસ પર ફોકસ કરવા મારે આમ પણ બ્રેકની જરૂર હતી. ઓકશનમાં પંજાબ કિંગ્સ ટીમે લોકી ફરગ્યૂસનને 4.2 કરોડમાં ખરીદ્યો હતો. ફરગ્યૂસન સિવાય પંજાબ પાસે અર્શદીપ, યાનસન, બાર્ટલેટ, યશ ઠાકુર, વૈશાખ વિજયકુમાર અને સ્ટોઇનિસના રૂપમાં ઝડપી બોલિંગમાં વિકલ્પ છે.

સીએસકેની પણ ચિંતા વધી છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર નાથન એલિસ ઇજાને લીધે આઇપીએલમાંથી આઉટ થયો છે. તેના સ્થાને હજુ સુધી અન્ય કોઇ ખેલાડી સીએસકે ટીમમાં સામેલ થયો નથી. સીએસકે ફ્રેંચાઇઝીએ તેને 2 કરોડમાં ખરીદ્યો હતો.

2પ વર્ષીય કાંગારૂ ઝડપી બોલર જેક એડવર્ડને સનરાઇઝર્સ હૈદરાબાદે 3 કરોડમાં ખરીદ્યો હતો. તે આ સીઝનમાં આઇપીએલમાં ડેબ્યૂ કરવાનો હતો, પણ હાલ તે અનફિટ છે. આથી બાદમાં તે હૈદરાબાદ ટીમ સાથે જોડાશે. તેણે બીબીએલની પાછલી સીઝનમાં 13 મેચમાં 19 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક