• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

બલ્ગેરીયામાં નોકરીની લાલચ આપી પોરબંદરના મામા-ભાણેજ સાથે ઠગાઈ ત્રણ શખસોએ રૂા.5.76 લાખ પડાવી લીધા : યુવકની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પોરબંદર, તા.ર3: પોરબંદરના છાયા પ્લોટમાં રહેતા મામા-ભાણેજને બલ્ગેરીયામાં નોકરી અપાવવાની લાલચ આપી ત્રણ શખસોએ રૂા.5.76 લાખ પડાવી લઈ છેતરાપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગત મુજબ પોરબંદરના છાયા પ્લોટમાં રહેતા રામદે કરશનભાઈ ઓડેદરા (ઉ.46)એ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં એજન્ટ રાજેશ રામાભાઈ પરમાર, દિલ્હીમાં એમ્બેસીનું કામ કરતો સુરતનો મિલન ગજેરા અને બલ્ગેરીયામાં રહેતો એજન્ટ ઉદય જયસુખ માલવીયાનું નામ આપ્યુ છે. યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેને તેના મામાનો દીકરો સરમણ રાજસી કડછા જે પોલેન્ડ ખાતે નોકરી કરે છે તેણે ફરિયાદીને બલ્ગેરીયામાં નોકરી કરવી હોય તો કડીયા પ્લોટમાં રહેતા રાજેશ પરમારનો સંપર્ક કરવાનું કહેતા ફરિયાદ અને તેના ભાણેજે આરોપી રાજેશનો સંપર્ક કરતા તેણે તમામ માહિતી આપી કટકે કટકે રૂા.5.76 લાખ રૂપિયા લઈ લીધા હતા. બાદ બે-ચાર દિવસમાં ટીકીટ આવી જશે કહી બન્નેને વિશ્વાસમાં લીધા હતા. ઘણા દિવસો વીતી ગયા છતાં કોઈ જવાબ ન આવતા બન્નેએ આરોપી રાજેશનો સંપર્ક કરતા તેણે ટીકીટ મોંઘી છે, બલ્ગેરીયામાં રહેવાની વ્યવસ્થા નથી બહાના કર્યા બાદ રૂપીયા ન આપતા બન્ને સાથે છેતરાપિંડી થઈ હોવાની ખબર પડી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક