• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સેશન્સ કોર્ટમાં તાકીદે ચાર્જ ફ્રેમ કરવા સુપ્રીમનો હુકમ

અમદાવાદ, તા. 11: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત કેસમાં જેલમાં બંધ આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓ હવે વધી છે. આ કેસની ઝડપી સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો અને કડક આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને તથ્ય પટેલ સામેનો કેસ ઝડપી ધોરણે ચલાવવામાં આવે અને આ કેસમાં 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરવા હુકમ કર્યો છે. આ આદેશ પીડિત પરિવારોને ન્યાય જલ્દી મળે તે દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાય છે.

સુપ્રીમ કોર્ટે આપેલા આદેશના પગલે, હવે સેશન્સ કોર્ટમાં તથ્ય પટેલ સામેની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે. સુપ્રીમે ટ્રાયલ કોર્ટને આદેશ કર્યો છે કે આ કેસમાં ચાર્જફ્રેમ કરવાની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. ચાર્જફ્રેમ એટલે કે આરોપી વિરુદ્ધના આરોપોનું ઔપચારિક નિવેદન, જે ટ્રાયલ શરૂ કરવા માટે અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ દર્શાવે છે કે આ સંવેદનશીલ કેસને લાંબો ખેંચી શકાય નહીં અને સમયસર ન્યાય પ્રક્રિયા પૂરી કરવી અનિવાર્ય છે. આનાથી ટ્રાયલની શરૂઆત માટેનો માર્ગ મોકળો થશે. ઇસ્કોન બ્રિજ અકસ્માતની આ ઘટનામાં 9 (નવ) નિર્દોષ લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટના બાદથી તથ્ય પટેલ જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશથી પીડિત પરિવારોમાં ન્યાયની આશા ફરી જાગી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક