બીમારીથી કંટાળી પોતાના ગામ ભંગડા ખાતે લાયસન્સવાળી રિવોલ્વરથી જીવન ટૂંકાવ્યું
રાજકોટ, તા.13: રાજકોટના ફાઇનાન્સ અને બિલ્ડિગ ક્ષેત્રે સંકળાયેલા
62 વર્ષીય બીશુભાઈ વાળાએ 13 જુલાઈની વહેલી સવારે સરધાર નજીકના અને તેમના મૂળ ગામ ભંગડા
ખાતે પોતાના ઘરે માતાજીના મઢમાં પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી મારી આત્મહત્યા
કરી લીધી હતી.
ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસ
મથકનો સ્ટાફ અને સરધાર પોલીસની ટીમ તાત્કાલિક ભંગડા ગામે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળનું
પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ
સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે,
બીશુભાઈ વાળા છેલ્લા કેટલાક સમયથી અલ્સરની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ બીમારીના
કારણે તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન અને નર્વસ રહેતા હતા. જે બીમારીથી કંટાળી અને હતાશ
થઈને તેમણે આત્મહત્યાનું પગલું ભર્યું છે.
રાજકોટના ફાઇનાન્સ અને બિલ્ડિગ
ક્ષેત્રે જાણીતા હોવાથી તેમના મૃત્યુના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો પોસ્ટમોર્ટમ
રૂમ ખાતે ઉમટી પડયા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તારણો બીમારી સંબંધિત તણાવ તરફ
ઈશારો કરે છે, પરંતુ પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે એસીપી
આર.એસ બારીયાએ જણાવ્યું કે, તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમની માનસિક બીમારીની
દવા પણ ચાલુ હતી.