• સોમવાર, 20 મે, 2024

ગુજરાતમાં 60.13% મતદાન

- રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ઓછા મતદાનથી ભાજપ બેઠકદીઠ મતદાન અને સ્થિતિની સમીક્ષા-મંથનમાં વ્યસ્ત બન્યું છે

 

-ઋષિકેશ વ્યાસ

અમદાવાદ, તા. 8: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટેની ચૂંટણી પૂર્ણ થઈ છે. જેમાં સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે. જે ગત 2019ની લોકસભાની સરખામણીમાં 4.38 ટકા જેટલું ઓછું છે. જેના સ્પષ્ટ સંકેત એ મનાય છે કે, કાંતો ભાજપની લીડમાં ધરખમ ઘટાડો થશે અથવા ભાજપને ભારે ટક્કરવાળી બેઠકો ગુમાવવી પડે એવી સ્થિતિ સર્જાય તો નવાઈ પામવા જેવું નહીં રહે.

રાજ્યની એક માત્ર બનાસકાંઠા બેઠક પર ગત 2019 કરતા 3.76 ટકા મતદાન વધ્યું છે. તે સિવાયની તમામ બેઠકો ઉપરના મતદાનમાં 2019ની સરખામણીમાં ઘટાડો થયો છે. આ વખતની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના આંદોલન અને ભાજપની વિરોધમાં મતદાનની હાકલને કારણે બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ઓછા મતદાને ભલભલાને વિચારતા કરી મૂક્યાં છે.

જાહેરમાં તો, ભાજપ તમામ 26 બેઠકો મોટી લીડ સાથે જીતી લેવાનો દાવો કરે છે અને આ સ્થિતિમાં કોંગ્રેસના ચહેરા ઉપર એક દાયકા બાદ કદાચ પ્રથમવાર ગભરાટ અનુભવાય છે કેમકે ગત બે લોકસભાની ચૂંટણીથી ગુજરાતમાં કોંગ્રેસને શૂન્ય બેઠકો મળતી હતી એટલે આ વખતે તો, તેના માટે વકરો એટલો નફા-જેવી સ્થિતિ સર્જાઈ છે. 2014 અને 2019ની મોદી-લહેર સાથેની બે ચૂંટણીઓમાં ભાજપને 26માંથી 26 બેઠકો ઉપર જીત મળી હતી પરંતુ આ વખતે લહેર વગરની સામાન્ય ચૂંટણી, બદલાયેલી રાજકીય સ્થિતિ, ઘણી બેઠકો ઉપર કોંગ્રેસના મજબૂત લડાયક ઉમેદવારો અને થયેલા ઓછા મતદાનથી 6થી 8 બેઠક ઉપર ચોંકાવનારા પરિણામો આવે એવી સંભાવનાઓ નકારી શકાતી નથી.

ભાજપની સ્થાપના બાદથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓમાં 2014 અને 2019ની ચૂંટણીને બાદ કરતાં ક્યારેય 60 ટકાથી વધુ મતદાન થયું જ નથી. એકમાત્ર 1998ની ચૂંટણીમાં 59.30 ટકા મતદાન થયું હતું ત્યારે ભાજપને 20 અને કોંગ્રેસને 6 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જાણકારોના નિર્દેશાનુસાર આ વખતે પણ 1998ની પેટર્ન રિપીટ થાય તો નવાઈ પામવા જેવું નહીં રહે. 

1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારબાદ ગુજરાતમાં 1984માં લોકસભાની ચૂંટણી વખતે 57.93 ટકા મતદાન થયું હતું અને આ ચૂંટણીમાં પ્રથમવાર જ ઝંપલાવ્યું હતું. આમ છતાં આ ચૂંટણીમાં ભાજપને દેશમાં મળેલી 2 બેઠકોમાથી એક બેઠક ગુજરાતમાંથી મળી હતી અર્થાત ભાજપે તેની પ્રથમ ચૂંટણીથી ગુજરાતમાં પગ મજબૂત કરવાની શરૂઆત કરી દીધી હતી. 1989ની ભાજપની બીજી ચૂંટણી વખતે ભાજપ, કોંગ્રેસ અને જનતાપાર્ટી વચ્ચે ત્રિ-પાંખિયો જંગ ખેલાયો હતો અને 54.70 ટકા મતદાન થયું હતું. એમાં પણ ભાજપે 12 બેઠક મેળવી હતી.

કોંગ્રેસને 11 અને જનતા પાર્ટીને 3 બેઠક પ્રાપ્ત થઈ હતી. 1991ની ચૂંટણીમાં રાજ્યમાં 44.01 ટકા મતદાન થયું હતું અને ભાજપને 20 તથા કોંગ્રેસને 5 બેઠક મળી હતી. આમ તેની સ્થાપના બાદની લોકસભાની ત્રીજી જ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને પાછળ ધકેલી દીધી હતી. 1996માં ગુજરાતમાં સૌથી ઓછું 35.92 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 16, કોંગ્રેસને 10 બેઠક મળી હતી.

1998ની ચૂંટણીમાં રાજ્યમાં 2024ની લોકસભાની ચૂંટણીની જેમ 59.30 ટકા મતદાન થયું હતું અને તેમાં ભાજપને 19 અને કોંગ્રેસને 7 બેઠકો ઉપર જીત હાંસલ થઈ હતી. એવી જ રીતે 1999માં 47.03 ટકા મતદાન બાદ ભાજપને 20 અને કોંગ્રેસને 6 બેઠક તથા 2004ની ચૂંટણીમાં 45.80 ટકા મતદાન સાથે ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠક ઉપર વિજય હાંસલ થયો હતો. 2014માં યુપીએ સરકાર સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો સાથે સરકાર વિરોધી લહેર ઉભી થઈ હતી અને 2019માં પુલવામામાં આંતકી હુમલા બાદ પાકિસ્તાનમાં એર-સ્ટ્રાઈક જેવી ઘટનાઓને કારણે રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ સર્જાયો હતો અર્થાત આ બન્ને ચૂંટણીઓ મોદી લહેરમાં યોજાઈ હતી અને એમાં ભાજપે રાજ્યની તમામ બેઠકો ઉપર કેસરિયો લહેરાવ્યો હતો.

હવે, આ વખતે રાજ્યમાં કોઈ લેહર નથી એટલે કે સામાન્ય સંજોગોમાં ચૂંટણી લડાઈ છે પરિણામ સ્વરૂપ ભાજપમાં ઉમેદવારોની જાહેરાતની સાથે જ ઉમેદવારો સામેનો વિરોધ સહિત આંતરિક કલક દેખાયો હતો. જેના કારણે કાંઈક તો નવાજૂની થશે, એવા સંકેત મળી ગયાં હતા. દરમ્યાનમાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો. જેનું પરિણામ આ વખતની ચૂંટણીના મતદાનમાં પણ વર્તાયું છે. કોઈ લહેર ન હોવાને કારણે અને ભાજપના આંતરકલહને કારણે આ વખતની ચૂંટણમાં ભાજપના કાર્યકરો, પેજ પ્રમુખોની ફોજ જાણે નિક્રિય હોય તેમ જણાયું છે.

રાજ્યના કુલ 4.97 કરોડ મતદારોમાંથી 60.13 ટકા વોટિંગ થયું છે એટલે કે 5ાંચમાંથી 3 કરોડ મતદારોએ મતદાન કર્યું છે અને 40 ટકા એટલે કે 2 કરોડ મતદારો વોટ આપવા માટે ઘરની બહાર નીકળ્યાં નથી. જે કામ ભાજપના બુથ લેવલના માઈક્રો પ્લાનીંગના ભાગરૂપે પેજ પ્રમુખોને સોંપાયું હતું. બીજીબાજુ કોંગ્રેસ પાસે તો જિલ્લા-તાલુકા કક્ષાએ કોઈ મજબૂત સંગઠન કે કાર્યકરોની ફોજ જ નથી આમ છતાં દરેક ચૂંટણીઓમાં કોંગ્રેસના પરંપરાગત મતદારો કોંગ્રેસની તરફેણમાં વોટિંગ કરવા બૂથ સુધી પહોંચે જ છે.

અર્થાત અગાઉની લોકસભાની ચૂંટણીઓમાં થયેલા મતદાન અને મળેલી બેઠકોના અનુભવના આધારે એમ માની લેવાય કે, રાજ્યમાં જે કુલ સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે. તેમાંથી કોંગ્રેસને તો, તેની તરફેણના વોટ તો મળ્યા જ હશે. હવે જે ઓછું મતદાન થયું છે. તેનું કારણ લહેરના કારણે ભાજપની તરફેણમાં વોટિંગ કરતા મતદારો વોટિંગ માટે બહાર નીકળ્યા નથી એમ મનાશે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024