તા.22મીએ મહાવીર સ્વામીના નિર્વાણના 2,550 વર્ષની ઉજવણીના ભાગરૂપે સંસાર ત્યાગીને પ્રભુ પંથે પ્રસ્થાન
અમદાવાદ, તા. 11 : જૈન શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બન્યો હોય તેવો પ્રસંગ થવા જઈ રહ્યો છે. જેમાં જૈનધર્મના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીના નિર્વાણનાં 2,550 વર્ષની ઉજવણીના ભાગરૂપે 35 મુમુક્ષુ તા. 22 એપ્રિલ, 2024ના દિને સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરવાના છે.
આગામી તા.22મીએ વિક્રમ સંવત 2080ના ચૈત્ર સુદ 14ના વહેલી સવારે રિવરફ્રન્ટ ખાતે નિર્માણ કરવામાં આવેલી અધ્યાત્મ નગરીમાં આચાર્યદેવ વિજય યોગતિલક સુરીશ્વરજી મહારાજાના હસ્તે 11 વર્ષની ઉંમરનાં બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષુ સંસારનો પરિત્યાગ કરીને પ્રભુ વીરના પંથે પ્રયાણ કરવાના છે. આ મુમુક્ષુઓના મહાભિનિક્રમણ નિમિત્તે પાંચ દિવસના ભવ્ય મહોત્સવનો પ્રારંભ તા.18 એપ્રિલના રોજ કરવામાં આવશે, જેમાં દુનિયાભરના ખૂણેખૂણેથી આશરે એક લાખ શ્રદ્ધાળુ જૈનો હાજર રહેવાની ગણતરી છે.
આ પ્રસંગે ગુરુ ભગવંતો સહિત 400 શ્રમણ-શ્રમણી ભગવંતોના નગર પ્રવેશની સ્વાગત યાત્રા તા. 18ના સવારે ધામધૂમથી યોજવામાં આવી છે. દીક્ષા લેનારા 35 મુમુક્ષુના વરસીદાનનો ભવ્ય વરઘોડો તા. 21 એપ્રિલના સવારે કાઢવામાં આવશે, જેની લંબાઈ આશરે 1 કિલોમીટર જેટલી હશે. રાજનગર અમદાવાદમાં 35 મુમુક્ષુને જૈન ધર્મની દીક્ષા આપનારા આચાર્ય વિજય યોગતિલક સૂરિજીએ તેમની સંસારી અવસ્થામાં સી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી સંસારથી વિરક્ત થઈને વર્ષ 1988માં મુંબઈ મુકામે દીક્ષા અંગિકાર કરી હતી.